ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી અંતે મુલતવી રખાઈ, રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરાઈ જાહેરાત

ગાંધીનગર-

રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાપાલિકાની ચૂંટણીને અંતે મોકૂફ રાખવાની રાજ્ય ચૂંટણી પંચને ફરજ પડી હતી. આ અંગે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર રીતે ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા આવકારવામાં આવી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ રાજ્યમાં કોરોનાની મહામારીનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે, તેમાય રાજ્યના શહેરોની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ પ્રસરી રહ્યું છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર સહીત રાજ્યના ૨૦ શહેરોમાં રાત્રીના ૮ થી સવારના છ વાગ્યા સુધીનો રાત્રી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં રાજ્યમાં કોરોનાના નવા કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરની મહાપાલિકાની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત મુજબ આગામી તા. ૧૮ એપ્રિલના રોજ યોજવામાં આવનાર છે. જો કે ગાંધીનગરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને ગાંધીનગર વસાહત મહાસંઘ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી કે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે. જો કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર વસાહત મહાસંઘની રજૂઆતના બીજા જ દિવસે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી તારીખની જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની જાહેરાત કરાયા બાદ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી-‘આપ’ દ્વારા રાજ્ય ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી કે, પ્રવર્તમાન કોરોનાની વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે.કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની રજૂઆતો બાદ રાજ્યમાં કોરોનાની વકરતી સ્થિતિ તેમાય ખાસ કરીને ગાંધીનગરમાં સર્જાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્ય ચૂંટણી પંચને ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવા અનુરોધ કર્યો હતો.શાસક પક્ષ અને વિપક્ષો દ્વારા કરાયેલી રજૂઆતોને ધ્યાનમાં રાખીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને કોરોનાની સ્થિતિ સુધરે નહિ ત્યાં સુધી મુલતવી રાખવામાં આવી છે. કોરોનાની સ્થિતિ સુધરે ત્યાર બાદ ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીની નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. જો કે ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત અત્યાર સુધી પૂર્ણ થયેલી પ્રક્રિયા યથાવત રહેશે. હવે પછી માત્ર મતદાન અને પ્રચારનો સમય જ જાહેર કરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીને મુલતવી રાખવાના નિર્ણયને ભાજપ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલે આવકાર્યો છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution