ગાંધીનગર FSLએ આ અભિનેત્રીઓનો ડેટા રિકવર કર્યો,બે હાર્ડડિસ્ક ભરાઈ

મુંબઇ 

બોલિવૂડના ડ્રગ્સ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોએ દીપિકા પાદુકોણ, સારા, શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ સહિત મુંબઈના જાણીતા ડ્રગ્સ પેડલર્સના ગેજેટસમાંથી ગાંધીનગર એફએસએલએ 2 હાર્ડડિસ્ક ભરીને ડેટા રિટ્રાઈવ કરી નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરોને આપ્યો છે, જેમાં વ્હોટ્સએપ ચેટ, કોલ્સ, વિડિયો-ક્લિપિંગ્સ સહિતનો છેલ્લાં બે વર્ષનો ડેટા મળ્યો છે. કુલ 100 ગેજેટસમાંથી 80 આઈફોન છે, જેમાંથી 30 મોબાઈલના ડેટાનું એફએસએલે પૃથક્કરણ કર્યું છે, જ્યારે 70 ગેજેટસનું હજુ ચાલી રહ્યું છે.

એકસાથે 100 ફોનનું પૃથક્કરણ ચાલી રહ્યું હોવાનો આ પહેલો કેસ છે. એફએસએલને આ માટે 15 લાખ રૂપિયા ફી મળી છે. માત્ર 30 ફોનમાંથી જ બે હાર્ડડિસ્ક ભરાય એટલો ડેટા છેલ્લાં બે વર્ષનો મળ્યો છે. એક અંદાજ મુજબ 1500 એચડી મૂવી સ્ટોર થાય એટલો ડેટા એનસીબીને સોંપાયો છે, જેમાં સૌથી વધુ વિડિયો-ક્લિપિંગ્સ, વ્હોટ્સએપ ચેટ અને વ્હોટ્સએપ કોલ ડેટા હોવાનું જાણવા મળ્યું છે. આ ડેટાની તપાસ કરી એનસીબી બોલિવૂડનાં હીરો-હિરોઈનના કયા ડ્રગ્સ પેડલર સાથે કનેકશન હતા એની માહિતી મેળવશે.

100 પૈકી એક ફોન ચીનની કંપનીનો હતો. એવું માનવામાં આવે છે કે આ ફોન અમેરિકામાં પ્રતિબંધિત છે. આ ફોનમાંથી ડેટા કાઢવો મુશ્કેલ હતો, પરંતુ એફએસએલ દ્વારા આ ફોનમાંથી ડેટા કાઢવા માટે ખાસ ટૂલ ડેવલપ કર્યું હતું અને એમાંથી પણ ડેટા રિટ્રાઈવ કરીને એનસીબીને સોંપાયો છે.

અર્જુન રામપાલ, તેની ગર્લફ્રેન્ડ અને તેના ભાઈના દસ ફોન એનસીબીએ એફએસએલને તપાસ માટે મોકલ્યા છે. આ તમામ ફોન તાજેતરમાં જ એનસીબી દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. જોકે હજુ આ ફોનની તપાસ કરવાની બાકી હોવાનું જાણવા મળ્યું છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution