ગાંધીજી અને ગોડસેઃ કેટલી માન્યતાઓ અને કેટલું સત્ય?


આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. સત્ય, અહિંસા અને અપરિગ્રહ માટે ગાંધીજીનો કોઈ વિકલ્પ આજ સુધી થયો નથી અને થશે પણ નહીં. આ જ મહાત્મા ગાંધીજીની હત્યાને ૭૫ કરતાં વધારે વર્ષ વીતી ગયા છે ત્યારે ગાંધીજીની હત્યા ગોડસેએ કેમ કરી એ અંગે સતત વિવાદો ચાલ્યા કરે છે અને એવું લાગે છે કે આ વિવાદો ક્યારેય પૂર્ણ થશે જ નહીં. કારણ કે ગાંધીજી હિન્દુ-મુસ્લિમ એકતાના હિમાયતી હોવાની સાથે સાથે મુસ્લિમો માટે થોડા સોફ્ટ હતા એવું કટ્ટર હિન્દુવાદીઓ માને છે. મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસે પ્રખર હિન્દુ રાષ્ટ્રવાદી હતા અને તેઓ કટ્ટર વૈચારિક માન્યતાઓ ધરાવતા હતા. ભારતનું વિભાજન અને વિભાજન પછી મહાત્મા ગાંધીનું જે વલણ રહ્યું અને મુસ્લિમ સમુદાય માટે ગાંધીજીનો જે અભિગમ રહ્યો હતો તેને ગોડસે હિન્દુ હિતો અને રાષ્ટ્રની અખંડિતતા માટે હાનિકારક ગણતાં હતા.
ગાંધીજીની હત્યાના અને દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થઈ ગયા છે ત્યારે ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી હતી તે અંગે ઇતિહાસને ધ્યાનમાં રાખીને તથા વર્તમાન પરિપ્રેક્ષ્યને પણ સંદર્ભ તરીકે રાખીને વ્યાપક વિશ્લેષણ થવું અનિવાર્ય છે. સાથે સાથે ગોડસેએ ગાંધીજીની હત્યા માટે જે મુદ્દાઓ કોર્ટમાં બચાવમાં રજૂ કર્યા હતા તે કેટલા સુસંગત છે તે અંગે પણ તટસ્થ રીતે મનોમંથન અનિવાર્ય છે. ગાંધીવાદીઓને ગમશે કે નહીં ગમે કે પછી કટ્ટર રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનારાઓને કેવું લાગશે એ તરફ ધ્યાન આપ્યા વગર તટસ્થ મૂલ્યાંકન થવું જાેઈએ એવું મારું દ્રઢપણે માનવું છે.
ગોડસેની સૌથી પ્રથમ દલીલ એ હતી કે “મેં મારી બધી હિંમત એકઠી કરી અને ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ બિરલા હાઉસ ખાતે ગાંધીજીને ગોળી મારી દીધી. આવા ગુનેગાર (ગાંધીજી)ને ન્યાય અપાવવા માટે કોઈ કાનૂની વ્યવસ્થા ન હતી અને તેથી મેં ગાંધીજીને ગોળી મારવાનો આશરો લીધો કારણ કે તે મારા માટે એકમાત્ર ઉકેલ હતો.” શું ગોડસેની આ દલીલ વ્યાજબી હતી ખરી? ચાલો થોડો ઇતિહાસ ફંફોળીએ.
૧૩ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીએ આમરણાંત ઉપવાસ કરવાનું નક્કી કર્યું. કારણ એ હતું કે તેઓ હિંદુ-મુસ્લિમ એકતાની ખાતરી નહેરુ સરકાર તરફથી ઇચ્છતા હતા. પરંતુ વાસ્તવિક હેતુ પાકિસ્તાનને રૂ. ૫૫ કરોડ ચૂકવવાનો હતો. સમગ્ર દેશમાં જાહેર અભિપ્રાય એ હતો કે પાકિસ્તાનને રૂ. ૫૫ કરોડ ન આપવા જાેઈએ કારણ કે જાે આપવામાં આવશે તો તે ભારત વિરુદ્ધ વપરાશે. હવે તટસ્થ આકલન કરીએ તો ૭૫ વર્ષ પછી પણ આ વાત સત્ય સાબિત થતી દેખાઈ રહી છે. ૧૯૬૫, ૧૯૭૧ અને કારગિલ – એમ ત્રણ ત્રણ યુદ્ધ હાર્યા પછી પણ પાકિસ્તાને તેની અવળચંડાઇ આજે પણ ઓછી કરી નથી. જનરલ ઝિયા ઉલ હક્કે “ઓપરેશન ટોપાક”ની ખતરનાક યોજના બનાવીને એ યોજના અંતર્ગત જ પાકિસ્તાન ભારતને તહસનહસ કરી રહ્યું હતું. ૨૦૧૪માં નવી સરકાર આવતા પાકિસ્તાનના “ઓપરેશન ટોપાક”ની યોજના પર પાણી ફરી વળ્યું.
ગોડસેની બીજી દલીલ હતી કે “ભારતના ભાગલા સમયે કે પછી નોઆખલીમાં મુસ્લિમ લીગના નેતા સુહરાવર્દી દ્વારા સરકારી આશ્રય હેઠળ હિંદુઓ પર મુસ્લિમોના અત્યાચારને કારણે કટ્ટર હિન્દુઓનું લોહી ઉકળી ઊઠ્‌યું હતું.” ગાંધીજીને ગોળી મારવામાં આ પણ એક કારણ હતું.
ઇતિહાસ કહે છે કે સુહરાવર્દી મુસ્લિમ લીગના દ્વિરાષ્ટ્રીય સિદ્ધાંતમાં માનતા હતા અને કાઁગ્રેસ સમગ્ર ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે તે અભિપ્રાય કદી સ્વીકારતા નહોતા. દેશના વિભાજનનો સિદ્ધાંત સ્વીકારાયો ત્યારે સુહરાવર્દીએ બંગાળને સાર્વભૌમ અને સ્વતંત્ર રાજ્ય બનાવવાની યોજના રજૂ કરી હતી. સુહરાવર્દી બંગાળના મુખ્યમંત્રી હતા ત્યારે ઓગસ્ટ ૧૯૪૬માં મુસ્લિમ લીગે ‘સીધાં પગલાં’(ઙ્ઘૈિીષ્ઠં ટ્ઠષ્ઠંર્ૈહ)ની હાકલ કરી. તેના પરિણામે કોલકાતામાં થોડા દિવસમાં હજારો હિંદુઓની હત્યા કરવામાં આવી. તે પછી તુરત કોમિલ્લા, નોઆખલી અને પૂર્વ બંગાળનાં અન્ય સ્થળોએ કોમી હુલ્લડો થયાં. સુહરાવર્દીએ અસામાજિક તત્વોને શરૂઆતમાં છૂટો દોર આપ્યો અને પછી તેમને અંકુશમાં રાખી શક્યા નહીં.
ગોડસેની ત્રીજી દલીલ હતી કે “૧૯૧૯ સુધીમાં ગાંધીજી મુસ્લિમોનો વિશ્વાસ મેળવવા માટે અસફળ પ્રયાસ કરી રહ્યા હતા અને આ માટે તેમણે મુસ્લિમોને એક પછી એક અનેક વચનો આપ્યા હતા. તેમણે મુસ્લિમ કટ્ટરતાને પ્રોત્સાહન આપતી ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો અને તેના માટે રાષ્ટ્રીય કોંગ્રેસને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું હતું. ત્યારબાદ ટૂંક સમયમાં જ મોપલા વિદ્રોહ(૧૯૨૦-૨૨)એ બતાવ્યું કે મુસ્લિમોને રાષ્ટ્રીય એકતામાં કોઈ રસ નથી.
ઐતિહાસિક તથ્યો એવું દર્શાવે છે કે બ્રિટિશ સરકારને ખબર હતી કે નવમી સદીમાં દક્ષિણ ભારતમાં આવનાર આરબોના મોપલાઓ વંશજાે હતા અને તેઓ ઘણા ઉગ્ર અને ધર્મઝનૂની હતા. તેઓ જ્યારે ઉશ્કેરાય ત્યારે સમૂહમાં ભયંકર તોફાનો કરતા. મલબારમાં ગાંધીજીના પ્રિય અલીભાઈઓનાં ભાષણોને લીધે વાતાવરણ ઉગ્ર બન્યું ત્યારે અંગ્રેજ સરકારે ૧૪૪મી કલમ લાગુ કરી તેથી મોપલાઓ બંડ કરી તોફાને ચડ્યા. એટલે ૧૯૨૧ના ઑક્ટોબરમાં માર્શલ લૉ જાહેર કર્યો. મોપલાઓએ હિંદુઓને લૂંટવાનું, એમની કતલ કરવાનું અને એમનાં ઘરો બાળવાનું શરૂ કર્યું. હિંદુ સ્ત્રીઓ ઉપર અત્યાચારો કર્યા. હિંદુઓને બળજબરીપૂર્વક મુસ્લિમ બનવાની ફરજ પાડી. મોપલાઓના આ અત્યાચારોને લીધે સમગ્ર દેશના હિંદુઓમાં રોષની લાગણી જન્મી કારણ કે ગાંધીજી ૧૯૨૦-૨૨ના મોપલા વિદ્રોહ દરમિયાન સતત હિન્દુ-મુસ્લિમ એકતા વિષે જ બોલતા રહ્યા અને અલીભાઈઓના કટ્ટરવાદી હિન્દુ વિરોધી ભાષણો વિષે ગાંધીજી એક શબ્દ ન બોલ્યા. આ ઘટના પછી મુસ્લિમો વધુ કટ્ટર બન્યા અને તેની અસર હિન્દુઓ પર થઈ પરંતુ મહાત્મા ગાંધીની પ્રચંડ આભા અને પ્રતિભા નીચે હિન્દુઓ કચડાઈ રહ્યા.
ગોડસેની ચોથી દલીલ હતી કે “ગાંધીજીએ બોમ્બે પ્રેસિડેન્સીમાંથી સિંધના અલગ થવાનું સમર્થન કર્યું અને સિંધના હિંદુઓને સાંપ્રદાયિક વરુઓ તરફ ધકેલી દીધા. કરાચી, સુક્કુર, શિકારપુર અને અન્ય સ્થળોએ અસંખ્ય રમખાણો થયા હતા જ્યાં માત્ર હિન્દુઓને જ અસર થઈ હતી. તેની સામે ગાંધીજીએ ક્યારેય આમરણાંત ઉપવાસનું શસ્ત્ર ન ઉગામ્યુ.” ઐતિહાસિક તથ્ય પણ એ સાબિત કરે છે કે ગાંધીજીએ તે સમયના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને સિંધના અલગ થવાને સમર્થન આપ્યું હતું. શું આ ગાંધીજીની ભૂલ હતી કે કોઈ વ્યૂહાત્મક ચાલ હતી – એ સમજવું હવે બહુ મુશ્કેલ છે.
ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી એનું તટસ્થ આકલન કરવાનો મારો આ પ્રયાસ છે. કદાચ આપને ગમે ન પણ ગમે પરંતુ સત્યને સ્વીકારવું જ રહ્યું.
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution