નડિયાદ વન વિભાગમાં કોરા ટેન્ડરોનો ખેલ!?

નડિયાદ : ખેડા જિલ્લા વન વિભાગ દ્વારા ગેરકાયદેસર ટેન્ડર મંજૂર કરી કરોડોની લ્હાણી કરાઈ હોવાના આક્ષેપો રહ્યાં છે. જાગૃત અરજદાર દ્વારા આ મુદ્દે ગાંધીનગર વિજિલન્સ કમિશનરને અરજી કરી કાયદેસરની તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માગ કરાઈ છે. 

આ સમગ્ર બાબત એમ છે કે, આરટીઆઇ એક્ટિવિસ્ટે આ બાબતે આરટીઆઈ કરી માહિતી માગી હતી. માહિતી ૧૫ દિવસ બાદ આપવામાં આવી હતી. આક્ષેપ મુજબ, માહિતીમાં જે-તે બહાર પાડવામાં આવેલા ટેન્ડરો બિલકુલ કોરા આપેલાં છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૦ સુધીમાં બહાર પાડવામાં આવેલાં ટેન્ડરોમાં ૩ ટેન્ડરો આવ્યાં હતાં. નિયમોનુસાર ટેન્ડરધારકે ચેક/ડીડી જાેડવાનું હોય છે, જેમાંથી ઓછા ભાવ ધરાવતું ટેન્ડર મંજૂર કરવાનું હોય છે, પરંતુ નડિયાદ વનવિભાગમાં જે ૩ ટેન્ડર ભરાયાં હતાં, તેમાંથી બે ટેન્ડરમાં ડીડી જાેડવામાં આવ્યું નહોતું અને એક ટેન્ડર જ ડીડી સાથે જાેડવામાં આવ્યું હતું, જેથી અન્ય બે ટેન્ડરો આપોઆપ રદ્દ થાય અને ડીડી સાથેનું એક ટેન્ડર હોય તે મંજૂર થઈ જાય. કાયદાકીય રીતે બે ટેન્ડર રદ્દ થાય તો ફરીથી જાહેરાત આપી સમગ્ર પ્રક્રિયા કરવાની હોય છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં અરજદારનો આક્ષેપ છે કે, ફેવર કરીને એજન્સીનું ટેન્ડર મંજૂર કરાયું છે. એટલે સમગ્ર ઘટનામાં મોટી ગેરરીતિ આચરવા માટે બે કોરા ટેન્ડર ભરી અન્ય ડીડી સાથેનું એક ટેન્ડર ભરાવી તેને મંજૂર કરવાનો પ્રી-પ્લાન હોવાના આરોપ પણ મૂકવામાં આવ્યાં છે.

વન્ય પ્રાણીઓના પાંજરા ખરીદવામાં અને નર્સરીઓ ફાળવવામાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

એકતરફ ટેન્ડર મંજૂર કરવામાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપ થયાં છે ત્યાં હવે વન્ય પ્રાણીઓના પાંજરા ખરીદમાં અમદાવાદ અને ખેડા જિલ્લામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આરોપ પણ કરાઈ રહ્યાં છે. ઉપરાંત ઔષધિ નર્સરી તાલુકા વાઇઝ ફાળવવામાં પણ ગેરરીતિ કરાઈ હોવાનો આક્ષેપ અરજદારે કર્યો છે. સમગ્ર ઘટનામાં અરજદારે માગ કરી છે કે, આ બાબતની ગાંધીનગર વિજિલન્સ કમિશનર અને વન વિભાગના વિજિલન્સ અધિકારી સાથે મળી તપાસ કરે તો કરોડોનું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.

લાંચ રૂશ્વત બ્યૂરો દ્વારા વન વિભાગના તપાસ સચિવને કાર્યવાહી કરવાના આદેશ

આ સમગ્ર બાબતમાં અરજદાર દ્વારા ગાંધીનગર રાજ્યના લાંચ-રૂશ્વત બ્યૂરોને કરાયેલી અરજી સંદર્ભે ખાતાના નિયામક દ્વારા વનવિભાગના તપાસ સચિવને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં આ બાબતે તપાસ કરવાના આદેશ કરાયા છે. તપાસમાં આધારભૂત હકીકત જણાય અને આ ઘટનાનો કોઈ નિકાલ ન થાય તો લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોને જાણ કરવા માટે જણાવ્યું છે. તેમજ અજદારના આક્ષેપો બાબતે કરવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ પણ મોકલવા માટે આદેશ કર્યો છે.

નડિયાદ ડીએફઓ કરુપ્પાસ્વામી ટીનો ગોળ-ગોળ જવાબ

આ સમગ્ર બાબતે નડિયાદ ડીએફઓ કરૂપ્પાસ્વામી ટીનો ટેલિફોનીક સંપર્ક કરી ટેન્ડર અંગે પૂછતા તેમણે અગાઉના ટેન્ડરોની સમયસીમા પૂરી થઈ છે, નવાં ત્રણ ટેન્ડરો ભરાયા છે. તેમ ગોળ-ગોળ જવાબ આપ્યાં હતાં. હકીકતમાં આ ટેન્ડર પાસ થયંુ છે, પરંતુ હજુ સુધી તેનું કામકાજ શરૂ થયંુ નથી. આરટીઆઇમાં કોરા ટેન્ડરો આપવા બાબતે તેઓ જવાબ આપી શક્યાં નહોતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution