હમણાં બજેટ રજૂ થયું. આપણે ટેક્સને નવી નજરે જાેઈએ.
(૧) ભારતભરમાં સૂચિત કરવામાં આવે છે કે બધા ટેક્સ વય, જાતિ, રંગ, ભાષા, પ્રદેશના ભેદ વગર આગામી ૧૦ તારીખથી લાગુ.
(૨) દરેક ચાર્જ મીનિટ દીઠ અથવા ક્રિયાની તીવ્રતા મુજબ ગણવામાં આવશે.
સૂર્યોદય નીરખવાનો ટેક્સ રૂ.૧૯. અમસ્તા ટહુકા સાંભળવાનો રૂ.૨૩. દરિયાકિનારે કસરત કરવાનો રૂ.૪૭. રેતીમાં છીપલા વિણવાનો ને ઘર બનાવવાનો રૂ.૫૮. ડોકટરના સૂચન કે બિમારીના ઈજન વગર માહ્યલાંની મોજ મુજબ મોર્નિંગ કે ઈવનિંગ વોક કરવાનો રૂ.૩૯. ખેતરોમાં/જંગલોમાં અકારણ ભટકવાનો ટેક્સ રૂ.૨૦૭. ભરવરસાદે પતંગ ચગાવવાનો રૂ.૨૨૬. ગાંડાતૂર છાટણામાં ઝૂલે ઝૂલવાનો રૂ.૩૦૮. મધરાતે તાપણું જલાવી પૂરા ચાંદને અર્ધી અધૂરી વાત કહેવાનો, પોતાના સંતાનને લાડ લડાવવાનો, તેમની પીઠ થપથપાવવાનો વડીલો સાથે જ્ઞાનગોષ્ઠી કરવાનો અને એમ બાળપણ જીવવાનો ટેક્સ રૂ.૧૧૦૯. કોઈ ડર કે માનતા વગર પોતાના શ્રદ્ધાસ્થાને જઈ આવવાનો, યાત્રા કરવાનો કે ત્યાં જઈને હર્ષોલ્લાસ મનાવવાનો ટેક્સ રૂ. ૧૫૦૦૦.
શર્ટનો ફુગ્ગો થઈ જાય એમ બાઈક ર્નિજીન રસ્તા પર દોડાવાનો, પોતાના જીવનસાથી સાથે રોમાન્સ કરવાનો, તેમને પેમ્પર કરવાનો, તેમનામાં આશા, વિશ્વાસ અને શ્રદ્ધાનો સંસાર કરવાનો, તેમની સાથે મીઠી તકરાર કરવાનો ટેક્સ રૂ.૧૫૦૭. મનગમતા ભેરુ સાથે ગોઠડી માંડવાનો ટેક્સ રૂ. ૬૭૨. ગામના નદીકિનારે અમસ્તા રખડવાનો ટેક્સ રૂ. ૬૨૩૨, વડલાની છાયામાં પોતાના ઢોર-ઢાંખર સાથે ગમ્મત કરવાનો ટેક્સ રૂ. ૬૪૩. વડીલોની વાતો કંટાળ્યા વગર સાંભળવાનો, તેમના અરમાન-ઓરતા પૂરા કરવાનો, તેમને ગૌરવ થાય તેવા કર્મો કરવાનો ટેક્સ રૂ.૩૨૯૬. આડોશી-પાડોશીની કુથલી કર્યા વગર સારા સંબધ રાખવાનો ટેક્સ રૂ.૩૬૭૬. સગા-સંબધીઓ સાથે જમતી વખતે અને વાત કરતા સમયે મોબાઈલ હાથમાં ન રાખવાનો ટેક્સ રૂ.૪૩૬૪. સ્વજનો, મિત્રો, પ્રિયજનો સાથે ખટમીઠી વાતો કરવાનો ટેક્સ રૂ.૩૬૪૯. કોઈ વ્યાવસાયિક ગણતરી વગર કોઈ સાથે મીઠો સંબંધ રાખવાનો ટેક્સ રૂ.૬૩૦૩. કોઈના આંસૂ લૂંછવાનો અને ખડખડાટ હસવાનો ટેક્સ રૂ.૬૭૩૯. કોઈને સાંત્વના આપવાનો કે કોઈનો સહારો બનવાનો ટેક્સ રૂ.૭૦૬૭. કોઈને મેડીટેશન કે વિપશ્યના માટે પ્રેરિત કરી, સાથે લઈ જઈ આનંદ મેળવવાનો ટેક્સ રૂ.૧૩૬૨૨.
કોઈની દુઆ કમાવવાનો, કોઈને હસાવવાનો, કોઈ નિરાશને ઉત્સાહિત કરવાનો, આવેલાને આવકારો આપવાનો, નિરાંતે તેની સાથે વાતો કરવાનો, નરમાશથી વરતવાનો, લોભ-લાલચ વગર મદદરુપ થવાનો ટેક્સ રૂ.૯૦૯૯. મોજ ખાતર ગીત-સંગીત સાંભળવાનો હારમોનિયમ-ગિટાર વગાડવાનો, કોઈ પ્રતિભા પર આફરીન પોકારવાનો, નિજાનંદ ખાતર કવિતા રચવાનો, ગમતા શોખ માટે સમય ફાળવવાનો ટેક્સ રૂ.૧૦૧૦૧. તે સિવાય વારે-તહેવારે ઉજવાતા ઉત્સવો, અવસરો અને પ્રસંગો પણ વગર ઘોંઘાટે અહિંસકપણે ઉજવાશે તો તે ઘટના ટેક્સ પાત્ર બનશે જેની નોંધ લેવી. આવી અહિંસક ઉજવણી જેમ વધુ શાંતિ, સૌહાર્દ અને સુમેળભરી રહેશે તેમ તેના પર વધુ ટેક્સ રહેશે.
-હુકમથી
---------------
છેલ્લે કયારે તમે રેતીમાં ઘર બનાવ્યાં? છીપલા વીણ્યાં? મોજે ફરવા ગયાં? કયારે કોઈ ટહૂકાને તાલે ડોલ્યાં? કયારે કોઈ દિવાના હદયની સારવાર કરી? કયારે વરસ્યાં, તરસ્યાં ને ટહૂકયાં? કયારે ઘેલા થયાં? કયારે અંતરપટ ખોલ્યાં? કયારે સત્ય માટે ઝઝૂમ્યાં? કયારે રડતાને હસાવ્યાં?
શું અંદર ક્યાંય ભીંત ફાડીને ઉગી જતા પીપળા જેવી ઝંખના છે? ચાહત છે? શું એ પૂરા કરવા માહૌલ નથી? લગન નથી? તૈયારી નથી? શું નથી? એ ખોટ કેમ પૂરી કરી શકાય, વિચાર્યુ કદી!
પછી આપણને ખુલ્લી આંખે નથી મળતું તે સપનામાં પજવે છે કે ફિલ્મી પરદે ગમી જાય છે. ચાંદ-સિતારા, મેઘધનુષ, પતંગિયા, ઝરણા, વહાલ, લાડ, પ્રેમ, રોમાન્સ, આંસુ, જુદાઈ-દોસ્તી, મસ્તી, તોફાન, ઘેલછા, વાંસળી, નૃત્ય, સૌંદર્ય, આશા, કલ્પના, મુગ્ધતા, હૂંફ, પ્રેરણા, પ્રોત્સાહન...અધૂરાં-મધૂરાં સંબંધો, ગીત-સંગીત, મીત, પ્રીત, જીત...કેટલીક વાર જે સાવ ફાલતુ કે વાહિયાત ગણાઈ જાય તેવી બાબતો પણ જિંદગીના ઝખ્મો પર મરહમ બની લાગી જાય છે, ત્યારે સમજાય છે કે આપણે શું ખોઈ રહયા હતાં. આપણને એ ચીજાેની કિંમત નથી જે ‘મફત’ છે અને ખરીદવાની કદાચ દરેક પાસે ત્રેવડ નથી, એની વેલ્યું છે...જે હાથવગું છે, તેને હૈયાવગું કરવાની જરુર છે.
ઔર જરા સોચો ઠાકુર! જાે ટેક્સ લાગી જ જાય આ બધી બાબતો પર તો? બજાર હોટ થઈ જશે. કેટલાક હેકડી બતાવવા માટે પણ આવા કામ કરશે. દેખાદેખી થશે. અભિમાન થશે. તેની પાછળ પાછી નતનવી સ્કીમ ને સેલ આવશે. મનીબેક ગેરંટી અને રીસેલ વેલ્યૂ આવશે. કદાચ તે દિવસે સમજાશે કે એ કેવું અનમોલ છે.
ઃઠ ફેક્ટર ઃ
આ ટેક્સ રિલેક્સ થવા બેસ્ટમબેસ્ટ પૂરવાર થાય ખરો!