આણંદ : આવતીકાલથી આગામી ૨૮મી ફેબ્રુઆરીના યોજાનાર ચૂંટણી જંગ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત, છ નગરપાલિકા માટે ઉમેદવારી પત્ર ભરાવા સાથે રણશીંગુ ફૂંકાશે. મહત્વની મનાતી આણંદ પાલિકા પર રાજકીય પક્ષોના ડોળા હોય ભાજપ દ્વારા ઉમેદવાર મુદ્દે નવી નીતિ અમલમાં મૂકતાં અગીયાર જેટલાં જૂનાં જાેગીની ટિકિટ પર તલવાર લટકી રહી છે. આવાં નેતાઓનાં આકાઓએ પક્ષ ટિકિટ ના આપે તો અલગ ચોકા રચી પાર્ટીને હરાવવાના શકુની પાસા ગોઠવી દીધા હોવાનું જાણવા મળેલ છે. તેની પાછળનું કારણ પોતાનો ગરાસ લૂંટાઈ જશે, એવી નેતાઓની મનછાને માનવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, આવતીકાલથી પંથકની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકાના આગામી ચૂંટણીના પગલે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા સાથે જંગનું રણશીંગુ ફૂંકાશે. જાેકે, આ જંગમાં રાજકીય પક્ષોનો ડોળો અન્ય સંસ્થાના જંગ કરતાં આણંદ નગરપાલિકા પર મંડરાવા માંડ્યો છે. ત્યારે ભાજપ દ્વારા ઉમેદવાર મુદ્દે નવી નીતિ અમલમાં મૂકતાં અગીયાર જેટલાં જૂનાં જાેગીની ટિકિટ પર તલવાર લટકી રહી છે, જેનાં પગલે અગાઉ શાસન દરમિયાન વહીવટી મલાઇની ભાગબટાઇથી કેટલાંક આકાઓનો હવે ગરાસ લૂંટાઈ જવાનો ડર લાગી રહ્યો છે. પક્ષ દ્વારા નવી નીતિનું કડક અમલીકરણ કરાય તો દુભાયેલા નેતાઓ સાથે મળી અલગ ચોકા રચવાના શકુની પાસા ગોઠવી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, અગાઉ વિધાનસભા બાદ લોકસભા જંગમાં પક્ષ દ્વારા મોટા ગજાના દાવેદારને કદ પ્રમાણે વેતરી અન્યને ટિકિટ આપવામાં આવી હતી. તેનો રોષ તથા તાજેતરમાં પક્ષના જિલ્લા સંગઠન રચનામાં પણ કદ પ્રમાણે વેતરાઈ જતાં નારાજગી ઊભી થવા પામી હતી. ત્યારે હવે પાલિકા જંગમાં પણ આ જ પ્રકારે પત્તાં કપાવાના ભયને લીધે વિભીષણ ખેલ રચવાના આકાઓએ તખ્તા ગોઠવ્યાં હોવાનું જાણવા મળેલ છે. જાેકે આ પ્રકારના ખેલ પાછળ પક્ષનું નાક દબાવવાનું આયોજન હાથ ધરાયું હોવાનું આંતરિક વર્તુળ દ્વારા જાણવા મળેલ છે.
મોડીરાત સુધી ને.હા. ૪૮ પરની હોટલમાં બેઠકના દૌર
આણંદ પાલિકા જંગમાં કેટલાંય નેતાઓની રાજકીય કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ જશે એવી દહેશતના પગલે નેતાઓએ સમયના ડંકા પારખી રાજકીય પક્ષનો પાલવ પકડવા શઠમ પ્રતિ શઠયમના ખેલ રચી મોડીરાત સુધી શહેર નજીક નેશનલ હાઈવે નં.૪૮ પરની એક હોટલ ખાતે બેઠકના દૌર શરૂ કર્યા છે. પરિણામે અચાનક પલટાયેલા ઠંડીના વાતાવરણમાં પવનના વાયરા સાથે રાજકીય વાયરા ફૂંકાવા માંડ્યાં છે. બીજી બાજું અન્ય રાજકીય પક્ષના નેતા સાથે સમયના ડંકા વગાડવા પાછળ બેઠકના દૌર પાછળ આણંદ સહિત પંથકમાં અન્ય પક્ષના નેતાનું વિધાનસભા જંગમાં જિલ્લાની એક બેઠક પર રાજકીય પૂર્ણવિરામના રચાયેલાં ખેલના પગલે આગામી ૪૮ કલાક બાદ શરૂ થનારા ચૂંટણી જંગના પગરણ સાથે હિસાબ સરભર કલવાનો તખતો ગોઠવવામાં આવ્યો હોવાનું અંતરંગ વર્તુળમાંથી જાણવા મળેલ છે. ત્યારે વજુદ ટકાવવા નીકળેલાં નેતાના સમયના ડંકા વાગશે કે અન્ય કોઈ દબાણ હેઠળ સુરસુરિયું થઈ જશે? એવો સવાલ પણ પૂછાઈ રહ્યો છે.