ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણનું જીવન કોઈ બોધપાઠથી ઓછું નથી. તેના પાઠ, સમજવામાં સરળ હોવા છતાં, ઊંડા અર્થપૂર્ણ છે. શ્રી કૃષ્ણએ તેમના જીવનના દરેક સંબંધને ખૂબ જ સાદગીથી વ્યાખ્યાયિત કર્યા છે અને તેને પ્રમાણિકતાથી નિભાવ્યા છે. શ્રી કૃષ્ણ પાસેથી એ શીખવાનું છે કે કેવી રીતે સંબંધો નિભાવવા જાેઈએ. ભગવાન કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કારણ કે તે આપણને સંબંધોને મહત્વ આપવા અને આપણા મિત્રો માટે કંઈપણ કરવા તૈયાર રહેવાની પ્રેરણા આપે છે. આ ઉપરાંત કૃષ્ણ-સુદામાએ આપણને એ પણ શીખવ્યું કે મિત્રતા એ સૌથી મહત્ત્વનો સંબંધ છે, ઉંચ-નીચ, અમીર-ગરીબ, નાના-મોટાના બંધનોથી દૂર રહીને. સુદામા કૃષ્ણના બાળપણના મિત્ર હતા. તે ખૂબ જ ગરીબ વ્યક્તિ હતો, પરંતુ કૃષ્ણએ ક્યારેય તેની મિત્રતા વચ્ચે પૈસા અને સ્ટેટસ આવવા ન દીધા. આ ઉપરાંત કૃષ્ણ - અર્જુન વચ્ચેની મિત્રતાથી પણ આપણે પરિચિત છીએ. આજે મિત્રતા દિવસ એટલે કે ફ્રેન્ડશિપ ડેના વાત કરીએ એક સ્ત્રી અને પુરુષ, કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેની નિર્દોષ મિત્રતાની.
આપણી દરેક પાસે લગભગ ઓછામાં ઓછો એક એવો મિત્ર હશે, જેની સાથે આપણે કંઈપણ છુપાવ્યા વિના આપણા બધા રહસ્યો શેર કરીએ છીએ, કારણ કે તે/તેણી એક એવો મિત્ર છે જે બીજા બધા મિત્રો કરતાં આપણા માટે ખાસ છે. એક મિત્ર જેની સાથે આપણે જે છીએ તે જ બની શકીએ છીએ. જાે કોઈ પુરુષ માટે કોઈ સ્ત્રી છે જે તેની ખાસ મિત્ર છે અને જેની સાથે તે તેના બધા રહસ્યો શેર કરે છે, તો તે તેના પર ર્નિભર છે. ઘણા કિસ્સાઓમાં એક પુરુષ અને સ્ત્રી જ્યારે મિત્રતા શેર કરે છે ત્યારે તેઓ એકબીજા વિના જીવી શકતા નથી, પરંતુ તેઓ માત્ર સારા મિત્રો સિવાય બીજું વિશેષ નથી હોતા. અલબત્ત, મિત્રતાથી આગળના સંબંધનો વિચાર પણ તેમના મનને ક્યારેય સ્પર્શતો નથી.
સમાજે ભલે સ્ત્રી-પુરુષ વચ્ચેની મિત્રતાને રોમાંસના અંડરકરન્ટ સાથે વેગ આપ્યો હોય; પરંતુ, તે સાચું નથી. એવા પુરુષો અને સ્ત્રીઓ છે જેમણે કોઈપણ રોમેન્ટિક બોન્ડ્સ વિના મિત્રતા જાળવી રાખી છે. સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની મિત્રતાનું છે. દ્રૌપદી અને કૃષ્ણ શ્રેષ્ઠ મિત્રો હતા. એકબીજાને વિશેષ મિત્રો તરીકે પ્રેમ કરતા હતા. અલબત્ત, શ્રી કૃષ્ણ દ્રૌપદી માટે ભાઈ સમાન હોવા વિશેની ઘણી વાર્તાઓ ઇતિહાસકારોના વિશ્લેષણ અને અર્થઘટનમાંથી આવે છે, એ એટલાં માટે કારણ કે, તેઓ એક સ્ત્રી અને પુરુષને મિત્રો તરીકે સ્વીકારી શકતા ન હતા. તેઓ પ્રેમમાં ન હતા, ન તો તેઓ એકબીજા માટે ભાઈ-બહેનની લાગણી ધરાવતા હતા, તેઓ ખૂબ સારા મિત્રો હતા.
કૃષ્ણ દ્રૌપદીને ‘સખી’ કહેતા અને દ્રૌપદી શ્રી કૃષ્ણને ‘સખા’ (મિત્ર) કહેતી હતી. તેઓ હંમેશા એકબીજા માટે હતા. દ્રૌપદીને કૃષ્ણના નામથી નહીં, પરંતુ શ્યામ રંગની હોવાને કારણે કૃષ્ણા તરીકે ઓળખવામાં આવતી હતી. ઘણાં ઇતિહાસકારોએ લખ્યું છે કે, શ્રી કૃષ્ણ અને દ્રૌપદી એકબીજા માટે લાગણી ધરાવતા હતા, સત્ય એ છે કે, એકબીજાને “સખા” અને “સખી” માનતા હતા. તેથી, તેમની વચ્ચે જે પ્રેમ હતો તે એક ખાસ મિત્ર માટેના પ્રેમ સિવાય બીજું કંઈ ન હતું. તેને પ્લેટોનિક લવ પણ કહી શકાય.
મહાભારતના મહાકાવ્યમાં ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચેનો સંબંધ બિનશરતી મિત્રતાની શક્તિના પુરાવા તરીકે ઊભો છે. તેમની વચ્ચેનો સંબંધ એક એવું જાેડાણ હતું, જેણે એ કાળમાં સામાજિક ધોરણોને અવગણ્યા હતા. આ સંબંધે એવી શીખવ્યું હતું કે, મિત્રતાને અન્ય સંબંધો સાથે સરખાવવાની જરૂર નથી. મિત્રતાને કઝિન, ભાઈ, બહેન સાથે ટેગ કરવા જરૂરી છે? શું સ્ત્રી અને પુરુષ વચ્ચે માત્ર રોમેન્ટિક સંબંધો જ હોય? પ્લેટોનિક મિત્રતા અને વ્યવસાયિક સંબંધો ન હોય શકે?
કૃષ્ણ અને દ્રૌપદી બંને સુંદર, પ્રતિભાશાળી, મહત્વાકાંક્ષી અને સક્ષમ હતા. તે બંને ‘ધર્મ રાજ્ય’ એટલે કે સદાચારી સમાજની સ્થાપના કરવા માગતાં હતા. તેઓએ સમાન આદર્શો, નૈતિકતા અને વિચારો શેર કર્યા હતા અને તેથી તેઓ મહાન મિત્રો હતા. મહાન મિત્રોની જેમ, તેઓએ તેમની આશાઓ, ડર અને સપના એકસાથે શેર કર્યા હતા. સાથે જીવ્યા હતા. એવા અનેક પ્રસંગો મહાભારતમાં વર્ણવવામાં આવ્યા છે જ્યાં ફક્ત કૃષ્ણ અને દ્રૌપદી વચ્ચે સંવાદ થયો હોય, અને તેને જ મહાભારતમાં એક સ્ત્રી અને પુરુષ વચ્ચેની ગાઢ મિત્રતા તરીકે વર્ણવવામાં આવ્યું હતું.
આજે પણ કોઈ ખાસ મિત્ર હોવો એ સારી વાત છે, પણ સમસ્યા વિપરીત જેન્ડરની (લિંગ)ની છે. દરેક પુરુષ અને સ્ત્રી માટે એક ખાસ મિત્ર હોવો જાેઈએ, જેના પર તે સંપૂર્ણ વિશ્વાસ રાખી શકે અને ભાવનાત્મક રીતે તેના પર ર્નિભર હોય. સ્પષ્ટપણે આવા મજબૂત બંધન બિનશરતી હોવા જાેઈએ. આ એવી બાબત છે જે પરંપરાગત અને વર્ષો જૂની સોબતના સ્ટીરિયોટાઇપમાં બરાબર બંધબેસતી નથી.
ભગવાન કૃષ્ણને સ્ત્રીઓ દ્વારા વધુ પૂજવામાં આવે છે, કારણ કે તેઓ તેમનામાં એક સંપૂર્ણ મિત્ર જુએ છે. ભગવાન કૃષ્ણને 'પ્રતિકૂળતામાં સાચા મિત્ર' તરીકે બિરદાવવામાં આવે છે. દ્રૌપદી સાથે કૃષ્ણનો વિશેષ સંબંધ એવો પુરાવો છે કે, આપણો સમાજ ગમે તેટલો રૂઢિગત રહ્યો હોય એક સ્ત્રી અને પુરૂષ આખરે મિત્ર બની શકે છે. તે દર્શાવે છે કે સાચો મિત્ર કેવો હોય જે મિત્રની પ્રતિષ્ઠાનું રક્ષણ કરે, યોગ્ય સલાહ આપે અને તમામ પ્રતિકૂળતાઓમાં સાથ આપે, જેમ કે કૃષ્ણે કર્યું હતું - ચીરહરણ વખતે દ્રૌપદીને સૌથી પહેલા કેમ શ્રી કૃષ્ણ જ યાદ આવ્યા? આ પ્રસંગ આપણને એવું શીખવે છે કે, એક સ્ત્રી અને પુરુષ (સખા અને સખી) વચ્ચે એવી પ્લેટોનિક મિત્રતા હતી કે દ્રૌપદીને તેનાં સૌથી કપરાં સમયમાં સખા શ્રી કૃષ્ણ પહેલા યાદ આવ્યા.
દ્રૌપદીને કૃષ્ણે હર સંકટમાં સાથ આપ્યો હતો અને મિત્રતાની ફરજ નિભાવી હતી. અલબત્ત, મહાભારતના વિવિધ પ્રસંગો માટે ઘણી કથાઓ છે. ચીરહરણના પ્રસંગને શાસ્ત્રોમાં એવી રીતે વર્ણવવામાં આવ્યો છે કે - સુદર્શન ચક્રથી જયારે ભગવાને શિશુપાલનો વધ કર્યો ત્યારે કૃષ્ણની આંગળી કપાઈ ગઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતો. એ સમયે સૌથી પહેલા દ્રૌપદીએ પોતાની સાડી ફાડીને કૃષ્ણને આંગળીમાં બાંધી હતી. શ્રી કૃષ્ણે ત્યારે આશીર્વાદ આપતા દ્રૌપદીને એવું કહ્યું હતું કે, તારા આ ઋણને હું એક દિવસ જરૂર પૂરું કરીશ.