મિત્ર કે સપ્તરંગી ચિત્ર?

“તું મિત્ર,

મમતાભર્યો,

જીવન અને કવિતાભર્યો...”

– પન્ના નાયક

મિત્ર શબ્દ કાનમાં ગુંજે કે આંખો સામે ડ્ઢઁ કે જીવંત સ્વરૂપે આવે ત્યારે તેની સાથે સાથે અગણિત સંસ્મરણો તાજાં થઈ ખેંચાઈ આવે છે..પછી ભલે તેની સાથેની મૈત્રી ક્ષણની હોય, કલાકની હોય, વર્ષોની હોય કે પછી જન્મોજન્મની...

મિત્ર કે મૈત્રી... કહો તો તેના વિનાનું જીવન કોરુંકટ્ટ. મૈત્રીને શોધી શકાતી નથી. માપદંડોના માઈલસ્ટોનમાં તેને માપી શકાતી નથી. મિત્રના જીવન પરનો અબાધિત અધિકાર નથી બનવાનું, પરંતુ મિત્રના હૃદયમાં પોતાના માટે એક ખૂણો હંમેશાં રિઝર્વ છે તે વાતનો વિશ્વાસ મૈત્રી છે.

એક અદૃશ્ય એવું બંધન કે જેને સંબંધોના સીમાડાઓ નડતા નથી. મૈત્રી એટલે વ્યક્તિએ સંપૂર્ણપણે સ્વતંત્રતાથી સ્વીકારેલો સંબંધ. સંબંધોના બે પ્રકાર પડે છે. લોહીના સંબંધો અને વ્યવહારને કારણે સચવાયેલા સંબંધો. આપણો જન્મ થાય એટલે લોહીના સંબંધો પણ આપોઆપ બંધાઈ છે અને વ્યવહારે સચવાયેલા સંબંધો પણ ઘણી વખત ગણિતથી મંડાયેલા હોય છે. પરંતુ મિત્ર એક એવો સંબંધ છે કે જે આવી કોઈ શરતોને કારણે અસ્તિત્વમાં આવ્યો નથી. હા, એ અલગ વાત છે કે સાંપ્રત સમયમાં આપણે લોહીના સંબંધોને મિત્રની જેમ ટ્રીટ કરતાં થઈ ગયાં છીએ. જેમકે મમ્મી-પપ્પાને ‘યાર’ કહેતા નવી પેઢી સંકોચ પામતી નથી. તો ઘણીવાર વ્યવહારના કારણે સચવાયેલા સંબંધોને મૈત્રીનું નામ આપી દઈએ છીએ. જરૂરિયાત અને સ્વાર્થનાં ચશ્માં પહેરેલી દુનિયાને જરૂરિયાત અને સ્વાર્થ પૂરો થઈ જતાં મૈત્રી પણ પૂરી થયેલી અનુભવાય છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. જે ફક્ત જરૂરિયાતો અને પોતાની ઇચ્છાઓને પૂરી કરવા માટે ગોઠવાયેલા ચોકઠામાં ગોઠવવામાં આવી હોય તે મૈત્રી, મૈત્રી છે જ નહીં.

મૈત્રીનું ખરું નામ તો નિર્દોષતા છે. જે ફક્ત હૃદયના સ્પંદનોને જ ઓળખે છે. આવી મૈત્રીને ધર્મ, જાતિ કે ઉંમરના અપવાદો નડતા નથી. સોળ વરસની છોકરી કે છોકરો ૫૦ વર્ષના પુરુષ કે સ્ત્રી સાથે નિખાલસ મૈત્રીથી બંધાઈ શકે છે. પરંતુ આવી મૈત્રીમાં જ્યારે એક નવા સંબંધને આકાર આપવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મૈત્રીનો મૂળ આકાર જ બદલાઈ જાય છે. મૈત્રી છે તો પ્રેમ પણ હોવો જ જાેઈએ આવું મનનું ગણિત ઘણી વખત બંને મિત્રોને દુઃખી કરી નાખે છે. મૈત્રી અને પ્રેમ વચ્ચે એક પાતળી ભેદરેખા છે. અને એ પાતળી રેખા ઓળંગી જઈએ પછી રૂપાળો લાગતો પ્રેમ પરાવર્તિત થાય કે નહીં તેની કોઈ ગૅરંટી નથી, પરંતુ વ્હાલી મિત્રતા પણ ઘણી વખત મૌનનાં જંગલોમાં ખોવાઈ જાય છે.

મૈત્રી એટલે બંનેની આંખોનું એકસમાન હાસ્ય.

“તું મારો મિત્ર બનીશ?” કે “હું તારી મિત્ર બની શકું?” તેવા પ્રશ્નો જ આવી સાચી મૈત્રીમાં અસ્થાને છે. સાચી મૈત્રીને તો શબ્દોની જરૂર જ નથી. પ્રેમને સાબિત કરવાની જરૂર પડે છે, પરંતુ મૈત્રી તો પ્રેમથી પણ ઉપર છે. વર્ષો સુધી એકબીજાના કૉન્ટેકટમાં ન હોય, એકબીજાની રોજબરોજની વાતોથી પરિચિત ન હોય, સુખ-દુઃખના પ્રસંગોમાં ઔપચારિક રીતે હાજર ન હોય છતાં પણ જ્યારે મળે ત્યારે બંનેની આંખોમાં બસ એકબીજાને જાેયાનો પરમ સંતોષ જ વચ્ચેનાં વર્ષોને પળવારમાં ઓગાળી દે છે. મૈત્રી એટલે અલગ ભાવાવરણ હોવા છતાં એકસરખી, સાથે અનુભવેલી સાંજની ઉદાસી અને શિયાળાની શરૂઆત.

“દિયે જલતે હૈ ફૂલ ખિલતે હૈં, બડી મુશ્કિલ સે મગર, દુનિયા મેં દોસ્ત મિલતે હૈં...”

અને સદ્‌ભાગ્યે આવા મિત્રો સાથે મૈત્રી થઈ જાય તો એ મૈત્રી તૂટી જવાની જરા પણ બીક લાગે ત્યારે તે જ ક્ષણે હંમેશાં સાથે કનેક્ટ રહેવાનો સંકલ્પ આપોઆપ લેવાઈ જાય છે. અને આ સંકલ્પ શબ્દોમાં નહીં પરંતુ વર્તનમાં વ્યાખ્યાયિત થઈને આખેઆખું જીવન સજીવ થઈને આપણી સાથે જ જીવે છે. મૈત્રી એટલે વર્ષોપર્યંત અનુભવાતી એ જ તાજગી. આપણો મિત્ર આપોઆપ ખુશ રહે તે માટે પ્રયાસો વિના આપણા દ્વારા થતું વર્તન જ સાચી મૈત્રીની સાબિતી આપે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution