અમદાવાદ-
હાર્દિક પટેલે મ્યુકરમાઇકોસિસની સારવાર તમામ હૉસ્પિટલોમાં મફત કરવાની માગ કરી. ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને રાજ્યની તમામ હૉસ્પિટલોમાં મ્યુકરમાઇકોસિસની મફત સારવાર કરવા ભલામણ કરતો પત્ર લખ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં ગુજરાતે મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી દીધો હતો.આ રોગ કોરોનામાંથી સાજા થયેલા અન્ય બીમારીઓથી પીડાતા લોકોમાં સારવારની અમુક ઊણપોને કારણે થઈ રહ્યો હોવાનું અનુમાન છે. આ પત્રમાં હાર્દિક પટેલે લખ્યું છે કે આ રોગની સારવાર ખૂબ જ ખર્ચાળ અને જોખમી હોઈ રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાજનોને તેની સારવાર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. હાર્દિકના દાવા પ્રમાણે ખાનગી હૉસ્પિટલમાં આ રોગની સારવાર પર નવથી 12 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.
"હાર્દિક પટેલે મુખ્ય મંત્રીને પત્રમાં વિનંતી કરતાં આગળ લખ્યું છે કે, "ગુજરાતમાં 27 વર્ષથી આપની સરકાર છે. તેવી પરિસ્થિતિમાં રાજ્યની પ્રજા માટે આ રોગની સારવાર તમામ હૉસ્પિટલોમાં નિ:શુલ્ક જાહેર કરી રાજ્યના ગરીબ અને મધ્યમવર્ગની પ્રજાની લાગણી અને માગણીને માન આપશો. અને સંવેદનશીલ નિર્ણય લેશો."નોંધનીય છે કે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખે આ સિવાય ઇન્જેક્શનની કાળા બજારી ઉપર નિયંત્રણ કરવા માટે પણ મુખ્ય મંત્રીને પત્રમાં જણાવ્યું છે.પત્રમાં હાર્દિક પટેલે આપેલી વિગત અનુસાર રાજ્યમાં અત્યાર સુધી મ્યુકરમાઇકોસિસના 2,281 કેસો નોંધાઈ ચુક્યા છે.આ રોગના કારણે ઘણા લોકોને પોતાની આંખ અને જડબા જેવાં મહત્ત્વનાં અંગ ગુમાવવાં પડ્યાં હોવાના અહેવાલો સ્થાનિક માધ્યમોમાં જોવા મળ્યા છે.