આણંદ-
અમેરિકા અને કેનેડા જેવા દેશમાં કાયદેસર રીતે ના જઈ શકે તેવા લોકો ત્યાં પહોંચવા માટે ગમે તેટલો મોટો ખતરો ઉઠાવવા તેમજ ખર્ચો કરવા તૈયાર થઈ જતાં હોય છે. જાેકે, આમ કરવા જતાં ક્યારેક આખી જિંદગી ના ભૂલાય તેવો સબક પણ શીખવા મળતો હોય છે. આવું જ કંઈક પાંચ પાટીદાર યુવકો સાથે થયું હોવાનું સામે આવ્યું છે, જેમને અમેરિકા-કેનેડા લઈ જઈશું તેમ કહીને તેમની પાસેથી કુલ ૧.૭૯ કરોડ પડાવનારા એજન્ટોએ કલ્પી ના શકાય તેવી મુસીબતમાં આ યુવકોને મૂકી દીધા અને રુપિયા મળી ગયા બાદ તેમનો બધો સામાન પણ છીનવી લઈ તેમને પહેર્યા કપડે જ ઘરભેગા કરી દીધા હતા.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, આણંદના બાકરોલ સ્કવેરમાં ઓફિસ ધરાવતા ઈશ્વર પ્રજાપતિ વિઝાનું કામકાજ કરે છે. તેમની મુલાકાત બે વર્ષ પહેલા દિલ્હીમાં અસ્ફાક અને સુનિલ કેજરીવાલ નામના શખ્સ સાથે થઈ હતી. જેમણે અમેરિકા અને કેનેડાની એમ્બસીમાં પોતાનું સેટિંગ છે, અને કોઈને જવું હોય તો એક જ મહિનામાં કામ થઈ જશે તેવી વાત કરી હતી. આ મુલાકાત બાદ ઈશ્વર પ્રજાપતિની આ બંને શખ્સો સાથે ફોન પર પણ વાત થતી રહેતી હતી. નવેમ્બર ૨૦૨૦માં ઈશ્વર પ્રજાપતિએ અશ્ફાક અને સુનિલને આણંદના બે યુવકોને કેનેડા મોકલવાના છે તેવી વાત કરી હતી.
આ કામ માટે હા પાડી અશ્ફાક અને સુનિલે ઈશ્વરભાઈને બંને યુવકોને પાસપોર્ટ સહિતના દસ્તાવેજાે લઈને જયપુર આવી જવા કહ્યું હતું. ઈશ્વરભાઈ ૧૦ નવેમ્બરે આણંદના અર્પિત પટેલ અને ભાવિન પટેલને લઈ જયપુર પહોંચ્યા હતા, અને ત્યાં પાંચ દિવસ રોકાયા હતા. ત્યારબાદ અર્પિત અને ભાવિનને ફ્લાઈટમાં મેંગ્લોર લઈ જવામાં આવ્યા હતા. તેમની ફ્લાઈટ જયપુરથી મેંગલોર ઉતરી ત્યારે રાત થઈ ચૂકી હતી. એજન્ટોએ તેમને અહીંથી હોટેલ જવાનું છે, અને બીજા દિવસે કેનેડાની ફ્લાઈટમાં બેસીને ત્યાં પહોંચી જવાનું છે. આ વાત સાંભળતા જ આણંદના બંને યુવકો આખરે કેનેડા જવાનું સપનું પૂરું થશે તેમ માની આનંદીત થઈ રહ્યા હતા. જાેકે, તેમને ખબર નહોતી કે તેમની સાથે કંઈક અલગ જ થવાનું છે.
હોટેલના નામે આ યુવકોને રાત્રે જ એક અવાવરું જગ્યાએ લઈ જવાયા હતા, જ્યાં દસ બાય દસની એક રુમમાં તેમને પૂરી દેવામાં આવ્યા હતા, અને અહીં તેમના હાથ પણ બાંધી દેવાયા હતા. ત્યારબાદ તેમને ત્યાં મૂકવા આવેલા લોકો રુમને બહારથી તાળું મારીને રવાના થઈ ગયા હતા. બીજા દિવસે પાંચથી છ લોકો બંદૂક અને ચપ્પા લઈને તેમના રુમમાં આવ્યા હતા અને તેમને ધમકાવ્યા હતા. ૧૮મી નવેમ્બરે બંધક બનાવેલા યુવકોને ધમકી આપવામાં આવી હતી કે તમારા પરિવારજનોને વોટ્સએપ કોલ કરો અને તેમને કહો કે કેનેડા પહોંચી ગયા છીએ અને બાકીની રકમ પણ એજન્ટના માણસોને ચૂકવી દેવામાં આવે.
છેક નવેમ્બર મહિનામાં બંધક બનાવાયેલા યુવકોને ૩૫ દિવસ સુધી તે રુમમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા. એક સમયે તો આ યુવકો એવું પણ માની બેઠા હતા કે કદાચ તેઓ અહીંથી ક્યારેય જીવતા પરત જઈ શકશે નહીં. જાેકે, પૂરેપૂરા પૈસા મળી ગયા બાદ બંધક બનાવનારા લોકોએ યુવકોને મેંગલોરથી ફ્લાઈટની ટિકિટ કરાવી આપી હતી, અને તેમને પહેર્યા કપડે જ ત્યાંથી ધમકાવીને ભગાડી મૂક્યા હતા. આ અંગે આણંદમાં ઈશ્વર પ્રજાપતિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ ત્યારે યુવકોએ પોલીસને જણાવ્યું હતું કે, તેમણે અમેરિકા અને કેનેડા જવા માટે નવા કપડાં, મોબાઈલ તેમજ ત્રણ-ત્રણ હજાર ડોલર પણ લીધા હતા. તે પણ તેમની પાસેથી પડાવી લેવાયા હતા.