સુરત, આરટીઆઇ એક્ટિવિસ્ટ હોવાનો રોફ ઝાડી બિલ્ડરો પાસે ખંડણી વસૂલતી ટોળકી સામે થઇ રહેલી ફોજદારી કાર્યવાહીમાં મનીષ ઘંટીવાલા સામે ચોથો ગુનો નોંધાયો છે. ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર વરાછામાં લંબેહનુમાન રોડ ઉપર લક્ષ્મણનગરમાં રહેતા જનક પોપટભાઇ કાકડીયા કાપડના વેપારી છે. તેઓએ ઉધના નવસારી રોડ ઉપર દક્ષેશ્વર મહાદેવ મંદિર સામે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં આઈ-૧૧૩ નંબરના પ્લોટ ઉપર બાંધકામ શરૂ કર્યું હતું, આ દરમિયાન ત્યાં મનીષ ઘંટીવાલા પહોંચી ગયો હતો. પોતે આરટીઆઇ એક્ટિવિસ્ટ હોવાનું જણાવી તેણે કાકડીયાને કહ્યું હતું કે, તમે અહીં ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છો એમ કહી પૈસા માંગ્યા હતાં. કાકડીયાએ પૈસા આપવાની ના પાડી તો મનીષે તેની ધમકીને અનુસરતાં સાઉથ ઝોન ઉધનામાં અરજી કરી હતી. ત્યારબાદ તેણે ફરી કાકડીયાનો સંપર્ક કર્યો અને પોતે અરજી કરી છે, જો એક લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો બાંધકામ તોડાવી નાંખશે એમ કહ્યું હતું. આ રીતે ડરાવી ધમકાવી ઘંટીવાલાએ કાકડીયા પાસેથી બળબજરી પૂર્વક ૫૦,૦૦૦ રૂપિયા પડાવી લીધા હતાં. આ મનીષ ઘંટીવાલા સામે પાલનપુરમાં રહેતા જીતેન્દ્ર શંકરભાઈ વસાવાએ પણ ફરિયાદ નોંધાવી હતી. લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં પ્લોટ નંબર સી ૧૨૮માં તેઓ બાંધકામ કરી રહ્યા હતા ત્યારે ઘંટીવાલા એ ત્યાં આવી બાંધકામનાં ફોટા પાડ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્ર પાસે એક લાખ રૂપિયાની માંગણી કરી જો પૈસા નહીં આપે તો કલેક્ટર કચેરીમાં અરજી કરી આ બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ પરંતુ મનીષે જણાવ્યું હતું કે હું ઉધના વિસ્તારમાં જ રહું છું અને તારા શેઠના ટાંટિયા તોડાવી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. વેસુ વિસ્તારમાં જીવરાજ સર્કલ પાસે રાજહંસ જીવનમાં રહેતા ૪૭ વર્ષીય અશોક મહાવીર પ્રસાદ અગ્રવાલ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ કરી રહ્યા હતા. ત્યાં પહોંચી ગયેલા મનીષ ઘંટીવાળાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણમાં ખોટી અરજીઓ કરી બાંધકામ તોડાવી નાખ્યું હતું. અશોકે મનીષ ઘંટીવાળાનો સંપર્ક કર્યો તો તેણે ૫૦,૦૦૦ ની માંગણી કરી હતી. જેથી અશોકભાએ ઘંટીવાલા સામે ગુનો નોંધાવ્યો હતો. ડિંડોલીના ઓમ નગરમાં રહેતા સંજય જસવંતકુમાર પટેલે ઓગસ્ટ ૨૦૨૨માં ઉધના મેઇન રોડ ઉપર બીઆરસી કંમ્પાઉન્ડ, લક્ષ્મીનારાયણ ઈન્ડસ્ટ્રીઅલ પાર્કમાં પ્લોટ નંબર જી-૭૨ ઉપર બાંધકામનો કોન્ટ્રાકટ રાખ્યો હતો. દરમ્યાન ફેબ્રુઆરી-૨૦૨૩ માં ઉધના વિસ્તારમાં રહેતા મનિષ ઘંટીવાલા (રાણા) એ સંજય પટેલને કોલ કરી ધમકી આપી હતી. ત્યારબાદ માર્ચ-૨૦૨૩માં આ મનિષ ઘંટીવાળા બાંધકામ સ્થળે ગયો અને ફોટા પાડવા માંડ્યો હતો. સંજયે તેને રોક્યો તો તેણે એક લાખ રૂપિયાની માંગણી કરી હતી. રૂપિયા માંગવા સાથે મનિષે ધમકી આપી હતી કે, જો નહીં આપો તો આ ફોટા સાથે કલેકટર કચેરીએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજીઓ કરી તમારું બાંધકામનું ડીમોલિશન કરાવી નાખીશ. મનીષ ખોટી રીતે અરજીઓ કરી હેરાન પરેશાન કરી ધંધો બગાડશે એવી ભીતિ લાગતાં સંજય પટેલે મીટિંગ કરી ૭૦,૦૦૦ રૂપિયા આપી દીધા હતા.