ગયા વર્ષ કરતાં ચાર ગણા IPO આવ્યા, 15એ રોકાણકારોને માલામાલ કર્યા


 સેન્સેક્સ અને નિફ્ટીની વોલેટિલિટી તેમજ માર્ચમાં બેક ટુ બેક આઈપીઓના નેગેટિવ લિસ્ટિંગના પગલે એપ્રિલમાં આઈપીઓની સંખ્યા ઘટી હતી. એપ્રિલમાં કુલ 3 આઈપીઓ અને 1 એફપીઓએ લિસ્ટિંગ કરાવ્યું છે. જો કે, ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ચાર માસમાં આઈપીઓની સંખ્યા ગતવર્ષે સમાનગાળાની તુલનાએ ચાર ગણી વધી છે.
જાન્યુઆરીથી એપ્રિલ-24 સુધીમાં મેઈન બોર્ડ ખાતે કુલ 24 આઈપીઓ લિસ્ટેડ થયા છે. જેમાંથી 15માં રોકાણકારોને 10 ટકાથી 140 ટકા સુધી રિટર્ન પ્રાપ્ત થઈ રહ્યું છે. આજે લિસ્ટેડ આઈપીઓએ પણ 70 ટકા સુધી રિટર્ન આપ્યું છે. જો કે, નવ આઈપીઓએ ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ કરાવ્યા બાદ તેમાંથી માત્ર 2 આઈપીઓ જના સ્મોલ ફાઈનાન્સ બેન્ક (20.58 ટકા), ક્રિસ્ટલ ઈન્ટિગ્રેટેડ (6.11 ટકા) પોઝિટીવ રિટર્ન આપી રહ્યા છે. એ સિવાયના 7માં રોકાણકારોએ મૂડી ગુમાવી છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી યોજાયેલા આઈપીઓમાંથી ટોપ પર્ફોર્મર તરીકે જ્યોતિ સીએનસી ઉભરી આવ્યો છે. જે ગઈકાલના બંધ સામે 144.52 ટકા રિટર્ન આપી રહ્યો છે. આ સિવાય બીએલએસ ઈ-સર્વિસિઝ અને એક્સિકોમ ટેલિ-સિસ્ટમ્સના રોકાણકારોની મૂડી બમણી થઈ છે. આજે લિસ્ટેડ થનારા જેએનકે ઈન્ડિયાના આઈપીઓએ રૂ. 415ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 709.85નું સર્વોચ્ચ સ્તર નોંધાવી રોકાણકારોને 71 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે લિસ્ટેડ અન્ય 3 આઈપીઓમાં પણ 50 ટકાથી 100 ટકા રિટર્ન જોવા મળ્યું છે.
ગતવર્ષે 2023ના પ્રથમ ચાર માસમાં માત્ર છ આઈપીઓએ લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રેડિયન્ટ કેશ મેનેજમેન્ટને બાદ કરતાં તમામમાં પોઝિટીવ રિટર્ન જોવા મળ્યું છે. જ્યારે આ વર્ષે પ્રથમ ચાર માસમાં કુલ 24 આઈપીઓ લિસ્ટેડ થયા છે.
સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution