વડોદરા, તા.૮
ફતેગંજ પોલીસ મથકમાં ચકચારી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પીઆઈ, પીએસઆઈ અને ચાર પોલીસ જવાનો વિરુદ્ધ નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા ચાર જવાનોને આજે સસ્પેન્ડ કરી દેવાયા છે, જ્યારે આ છને શોધવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી હોવા ઉપરાંત ટેકનિકલ સર્વેલનસ હાથ ધરવામાં આવ્યું છે. ઝડપાયા બાદ મૃતદેહ શોધવા જરૂર પડયે નાર્કોટેસ્ટ કરાવવાની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તૈયારી દર્શાવી છે. બીજી તરફ ધરપકડથી બચવા પીઆઈ ગોહિલે હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મૂળ તેલંગાણા રાજ્યના અને હાલ અમદાવાદમાં રહેતા શેખ નિશાર નામના વૃદ્ધને કસ્ટોડિયલ મોતના મામલામાં વડોદરાના પોલીસ ઈન્સ્પેકટર ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ, પીએસઆઈ દશરથ માધાભાઈ રબારી તથા સ્ટાફના એલઆરડી જવાનો પંકજ માવજીભાઈ, યોગેન્દ્રસિંહ જીવણસિંહ, રાજેશ સવજીભાઈ અને હિતેશ શંભુભાઈ સહિત ૬ સામે ૮ માસ બાદ ગુનો નોંધાયાના પગલે પગલે ભૂગર્ભમાં ઊતરી ગયેલા પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને ઝડપી પાડવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ડીસીપી દીપક મેઘાણીએ વિશેષ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે રવાના કરી છે. હાલમાં આરોપીઓના નિવાસસ્થાને તાળાં લટકી રહ્યાં છે. દરમિયાન આજે ચારેય એલઆરડી જવાનોને સસ્પેન્ડ કરાયા છે.
ચોરીના ગુનાની કબૂલાત કરાવવા માટે પોલીસ દ્વારા ખુરશી ઉપર પટ્ટા અને દોરડાથી બાંધી તેમને કમ્પ્યૂટર રૂમમાં ઢોર માર મરાયાનો આરોપ છે. ફરિયાદીની ફરિયાદનો નાશ કરવા સાથે સીસીટીવી ફુટેજા પણ ડિલિટ કરવા સાથે ગંભીર પ્રકારના જેમની સામે આરોપ છે તેવા આ પોલીસ અધિકારીઓ સામેના તેમના કહેવાતા કૃત્યોની માહિતી તા.૩૦મી જાન્યુઆરીના રોજ એસીપી ભેંસાણિયા દ્વારા ખાનગી પત્ર દ્વારા ડીસીપી દીપક મેઘાણીને આપવામાં આવેલ. આ બનાવની ગંભીરતા સમજી ડીસીપી દીપક મેઘાણીએ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાથે બેઠક કરી વિશ્વાસુ પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી તેલંગાણા રાજ્ય સુધી મોકલી હતી.
તપાસમાં કોઈ કચાશ ન રહે તે માટે આરોપીઓના લાઈડિટેક્ટર, નાર્કોટેસ્ટ પણ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસમાં ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં આવશે. ડિલિટ કરવામાં આવેલા સીસીટીવી ફુટેજ એફએસએલ મારફત પરત મેળવવાના પ્રયત્નો પણ પૂરજાશથી કરવામાં આવશે. ચાર્જશીટ રજૂ કરતાં અગાઉ તમામ પુરાવાઓ ફુલપ્રુફ રીતે તૈયાર કરી ચાર્જશીટ રજૂ કરાશે એમ પોલીસસૂત્રોએ જણાવ્યું છે. પોલીસની જુદી જુદી ટીમો આજે આરોપી પોલીસ કર્મચારીઓને શોધવા એમના નિવાસસ્થાને ગયા હતા પરંતુ ઘર બંધ હોવાથી હવે એમના વતનના ગામે જવા માટે ટીમો રવાના કરવામાં આવી છે.
આગોતરા જામીન મળવા મુશ્કેલ
ફતેગંજ પોલીસ મથકના તત્કાલીન પીઆઈ ડી.બી.ગોહિલ જે હવે હત્યાના આરોપી બની ગયા બાદ ભાગેડું બન્યા છે ત્યારે ભૂગર્ભમાં રહીને પણ ધરપકડથી બચવા માટે એમને હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાની કાર્યવાહી શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. જા કે, જાણકારોના જણાવ્યા મુજબ વડોદરા પોલીસ પાસે ગોહિલ વિરુદ્ધના મજબૂત પુરાવાઓ હોવાથી આગોતરા જામીન મળવા મુશ્કેલ છે.