અમેરિકા રહેતા ભાણોદ્રાનાં ચાર ભાઇઓ દ્વારા જમીન વેચાણમાં ૨.૬૦ કરોડનું ચીટિંગ

સુરત, સેન્ટ્રલ અમેરિકાનાં પનામા ખાતે રહેતા ભાણોદ્રા ગામના ચાર ભાઇઓએ અગાઉ વેચી દીધી હતી એ જમીન પાંડેસરામાં પેટ્રોલપંપ ધરાવતાં ઉધનાનાં યુવકને ફરી વેચાણે આપી ૨.૬૦ કરોડ રૂપિયા પડાવી લીધા હતાં. ભેસ્તાન પોલીસ પાસે મળતી માહિતી અનુસાર ઉધનાગામમાં મહાદેવ મંદિર પાસે ભરતભાઈ પ્રવીણભાઈ વશી તેમના પરિવાર સાથે રહે છે. તેઓ પાંડેસરામાં દક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ જીએચવી રોડ પર પેટ્રોલ પંપ ચલાવે છે. ભાણોદરા ગામના વતની અને હાલ સેન્ટ્રલ અમેરિકાના પનામા શહેરમાં રહેતા બદ્રેઆલમ ઇસ્માઇલ તથા તેના ભાઈઓ મકબુલ ઇસ્માઇલ, હનીફ અને રસીદ ઇસ્માઇલ વર્ષ ૨૦૧૨માં વતન આવ્યા હતાં. એ સમયે ઇકલેરા ગામના પાદર ફળિયામાં રહેતો મોહમ્મદ સોહેબ ઇબ્રાહીમ હાફેઝા ભરત વશી પાસે આવ્યો હતો. સોહેબ હાફેઝાએ બદ્રેઆલમ અને તેના ત્રણ ભાઇઓની ભાણોદ્રામાં આવેલી સર્વે નં-૨૨/૨,બ્લોક નં-૩૮ વાળી આશરે ૫.૧૯ વિઘા જમીન વેચાણે આપવાની હોવાની વાત કરી હતી. આ ચારેય ભાઈઓ અમેરિકા રહે છે. તેઓની આ જમીન ટાઇટલ ક્લિયર છે. સોહેબની વાતમાં ભરોસો મૂકી ભરતભાઇ વશી તેમના મિત્ર જેનીસ હિતેન્દ્ર લાડ તથા દલાલીનું કામ કરતાં આસીફભાઇ જોયતા સાથે આ જમીન અંગે બદ્રેઆલમ અને તેના ભાઇઓ મકબુલ ઇસ્માઇલ, હનીફ અને રસીદ ઇસ્માઇલને મળ્યા હતાં. આ મિટીંગમાં ૮,૮૨,૩૦,૦૦૦ રૂપિયા અવેજ નક્કી કરી જમીનનો સોદો કરાયો હતો. સોદા અંગે તેઓએ એડવોકેટ નોટરી હિતેશ જે. પટેલ પાસે લખાણ પણ કરાવ્યું હતું. ત્યારબાદ દલાલ મોહમ્મદ સોહેબ હાફેઝાની હાજરીમાં જમીન માલિક ભાઇઓને ચેક તથા રોકડથી કુલ ૨,૬૦,૦૦,૦૦૦ રૂપિયા ચુકવી દીધા હતાં. સોદો કરાયો એ સમયે નક્કી કરાયા અનુસાર જુલાઈ ૨૦૧૪ પછી સોળ મહિનામાં એક સાથે બાકીની રકમ ચુકવી દસ્તાવેજ કરવાનો હતો. આ સમય પુરો થતાં વશીએ બદ્રેઆલમ અને તેના ભાઇઓને કોલ કરી દસ્તાવેજ માટે ભારત ક્યારે આવો છો એ અંગે પૂછવા માંડ્યું હતું, જો કે, તેઓએ માત્ર વાયદા કર્યા હતાં. દરમિયાન બદ્રેઆલમ કોરોનાકાળ પહેલા વતન આવ્યો હતો. આ વાત જાણી ભરત વશી તેમને મળવા ગયા હતાં. બદ્રેઆમલે તેમને આ વખતે હું એકલો આવ્યો છું, થોડા સમયમાં બધા ભાઈઓ સાથે આવીશું એટલે દસ્તાવેજ કરી આપીશું એવો વાયદો કર્યો હતો. ત્યારબાદ બદ્રેઆલમ ફરી પનામા ચાલ્યો ગયો હતો. જાન્યુઆરી ૨૦૨૩માં બદ્રેઆલમ ફરી વતન આવ્યો અને વશી તેમને મળવા ગયા હતા. જો કે, એ સમયે પણ તેણે એકલો આવ્યો છું, બધા ભાઇઓ સાથે આવીશું ત્યારે દસ્તાવેજની કાર્યવાહી પૂરી કરીશું એવા વાયદા કર્યા હતાં. આ રીતે સમય પસાર થયો એ દરમિયાન જમીનના ભાવ વધી ગયા હતાં. જેથી પનામા રહેતાં ચાર ભાઇઓ અને અહીં દલાલી કરતાં તેમના કઝીન સોહેબે આ જમીન ફરીથી વેચાણ માટે તજવીજ કરવા માંડી હતી. એવામાં ૧૫ મે, ૨૦૨૪ના રોજ સુરતના અખબારોમાં વશીએ રાખી હતી એ જમીન અંગે જાહેર ચેતવણી છપાઈ હતી. વશીએ તેમના વકીલ મારફત જમીનના સોદા અને ચૂકવેલી રકમ અંગે માહિતી સાથે વાંધો નોંધાવ્યો હતો. એવામાં ૨૩ મે, ૨૦૨૪ના રોજ શૈલેષ દિનેશચંદ્ર પટેલે પણ જમીન પોતે ખરીદી હોવાની અખબારમાં જાહેર નોટિસ છપાવી હતી. આ વાંચી ભરતભાઇ વશીએ તેમનો સંપર્ક કર્યો હતો. જેમાં શૈલેષ પટેલે જમીનનો સોદો કરી ૩૫,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યાની વાત જણાવી હતી. આ રીતે ચાર ભાઇઓએ તેમની જમીન શૈલેષ પટેલને વેચી ૩૫ લાખ રૂપિયા લીધા હોવા છતાં ફરીથી ભરત વશી સાથે સોદો કરી ૨.૬૦ કરોડ પડાવી ચીટિંગ કર્યાનું બહાર આવતાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution