વડોદરા-
શહેરના હરણી રોડ પાસે સવાદ કવાટર્સ નજીક ખુલ્લામાં બેસીને ટીવી પર આઇપીએલ મેચ જોઈને જુગાર રમી રહેલા ચાર ઈસમોને પીસીબીએ બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. પોલીસે તેઓની પાસેથી ૪ મોબાઈલ ફોન્સ, ટીવી, સેટ ટોપ બોક્સતથા રોકડા મળીને કુલ ૫૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજરોજ બપોરના સમયે પીસીબીના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે, હરણી રોડ દસ દુકાન પાસે સવાદ કવોટર્સના એક મકાન પાછળ ખુલ્લામાં બેસીને ચાર લોકો ટીવી પર આઇપીએલ મેચ જોઈને જુગાર રમાડે છે અને જૂની મેચોનો હિસાબ કરે છે. બાતમીના આધારે પીસીબીએ દરોડો પાડતા ચોક્કસ જગ્યા પરથી ચાર લોકો રંગેહાથ પકડાઈ ગયા હતા. તેઓના નામઠામ પૂછતાં અજય પરમાર(રહે. સવાદ કવોટર્સ), સુમિત મકવાણા(રહે. સવાદ કવોટર્સ), નરેશભાઈ કહાર(રહે. સવાદ કવોટર્સ) અને વિકાસ મકવાણા(રહે. સવાદ કવોટર્સ) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ ચારેય પાસેથી ૪ મોબાઈલ ફોન, ટીવી, સેટ ટોપ બોક્સ, હિસાબોની સ્લીપ અને રોકડા ૧૩ હજાર સહીત કુલ ૫૯,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.