દિલ્હી-
સામાજિક કાર્યકર્તા અને આર્ય સમાજના પ્રતિષ્ઠિત લીડર સ્વામી અગ્નિવેશનું નિધન થયું છે. તેઓ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતાં જ્યાં તેમની તબિયત વધુ લથડતા શુક્રવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન અંગે હોસ્પિટલ દ્વારા નિવેદન આપતા જણાવાયું હતું કે સ્વામી અગ્નિવેશને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. ત્યારબાદ તેમને બચાવવાના તમામ પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જોકે તેમણે 6:30 કલાકે અંતિમ શ્વાસ લીધા.
મળતી માહિતી મુજબ, 80 વર્ષીય સ્વામી અગ્નિવેશની તબિયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ હતી. તેઓ લીવર સિરોસિસથી પીડિત હતા. જોકે તબિયત વધુ લથડતા તેમને નવી દિલ્હીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સિસ (આઈએલબીએસ) માં દાખલ કરવામાં આવ્યા હતા. આપને જણાવી દઈએ કે, સ્વામી અગ્નિવેશ કેટલાક વિવાદોને લઈને પણ ચર્ચામાં રહ્યા હતા. તેઓ સામાજિક મુદ્દાઓ પર પોતાના નિવેદનને લઈ હંમેશા ચર્ચામાં રહ્યા હતા.
તેમણે 1970માં આર્ય સભા નામની રાજનીતિ પાર્ટીની રચના કરી હતી. વર્ષ 1977માં તેઓ હરિયાણા વિધાનસભામાં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા અને હરિયાણા સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે પણ કાર્ય કર્યુ હતું. સ્વામી અગ્નિવેશે 2011માં અન્ના હજારેની આગેવાની હેઠળ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં પણ ભાગ લીધો હતો. જોકે, બાદમાં કેટલાક મતભેદોના કારણે તેઓ આંદોલનથી પાછા હટી ગયા હતા. એટલુ જ નહીં સ્વામી અગ્નિવેશે રિયાલીટી શો બિગ બોસમાં પણ ભાગ લીધો હતો, જેને લઈ તેઓની ટિકા પણ થઈ હતી.