અમદાવાદ-
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે ૯૩ વર્ષની વયે નિધન થયું છે. સદ્ગત ચાર વખત રાજ્યના મુખ્યમંત્રીપદે અને પી વી નરસિંહરાવ સરકારમાં વિદેશમંત્રી તરીકે પણ રહી ચૂક્યા હતા. ગુજરાતની રાજનીતીમાં ક્ષત્રિયો, હરીજન, આદિવાસી અને મુસ્લીમ તમામને એક મંચ પર લાવવાની રણનીતી અખત્યાર કરનાર સોલંકી પહેલાં હોવાનું મનાય છે. આને ખામ થીયરી કહે છે અને એંસીના દાયકામાં સોલંકી એની અજમાયશથી જ બહુમત સાથે સત્તા પર આવ્યા હતા.
જાે કે, સોલંકીના આવા દાવને પગલે રાજ્યનો પટેલ સમાજ તેમનાથી દૂર થયો અને જતે દિવસે ભાજપની સાથે થયો. સોલંકી પોતે વકીલ હતા, અને ૧૯૭૭માં તેઓ રાજ્યના પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા. ૧૯૮૦માં રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠકોમાંથી જંગી ૧૪૧ બેઠકો પર વિજયી થયા હતા. ત્યારે ભાજપને માત્ર ૯ બેઠકો મળી હતી.