વડોદરા-
કોરોના મહામારીના કારણે માંડવી ખાતે આવેલા સુપ્રસિદ્ધ શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ૨૧૨મો વરઘોડો આજે દેવપોઢી અગિયારસના દિવસે શહેરમાં નીકળ્યો નહોતો. એટલે કે ૨૧૧ વર્ષના ઇતિહાસમાં સતત બીજા વર્ષે ભગવાન વિઠ્ઠલનાથજી નગરચર્યાએ નીકળ્યા નથી. ભગવાનનો વરઘોડો મંદિર પરિસરમાં જ ફેરવવામાં આવ્યો હતો અને પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
માંડવી ખાતે શ્રીમંત મહારાજા ગાયકવાડ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીનો ભવ્યાતિભવ્ય વરઘોડો કાઢવામાં આવે છે. પરંતુ, વૈશ્વિક કોરોના વાઈરસની મહામારીના કારણે ભગવાનનો વરઘોડો શહેરના માર્ગો ઉપર કાઢવામાં આવ્યો નહોતો, પરંતુ, નીજ મંદિર પરિસરમાં જ નાની પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેમાં ખૂબ ઓછા ભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજા-અર્ચના કરવામાં આવી હતી, ત્યારબાદ ભગવાનને નાની પાલખીમાં બિરાજમાન કરાવીને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે નીજ મંદિરમાં જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે ૪ થી રાતે ૮ વાગ્યા દરમિયાન ભક્તો મંદિરમાં માસ્ક પહેરી તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને દર્શન કરી શકશે. કોરોના સંક્રમણને ધ્યાનમાં લઇ સેનિટાઇઝની પણ સુવિધા કરવામાં આવી છે. અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તે રીતે શ્રદ્ધાળુઓને લાઇનમાં દર્શન કરવા માટે જવા દેવામાં આવી રહ્યા છે.