સતત બીજા દિવસે તાપમાન ૪૪.૨ ડિગ્રી કોર્પો.ના સિટિ એન્જિ. હીટ સ્ટ્રોકની ઝપટમાં

વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસ થી હીટવેવ સાથે મધ્યગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. ત્યારે આજે સતત બીજા દિવસે વડોદરામાં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ સાથે ભેજનુ પ્રમાણ ધટતા આકાશ માંથી અગનગોળા વરસાવતી ગરમી અને બફારાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે મોટાભાગના રાજમાર્ગો સૂમસામ જાેવા મળ્યા હતા. ભરતડકે સતત પાણીની સમસ્યાના નીવારણ માટે દોડતાં કોર્પોરેશનના સિટિ એન્જીનિયર અલ્પેશ મજમુદાર પણ હીટ સ્ટ્રોકનો ભોગ બન્યાં છે. જેઓ હાલ સારવાર હેઠળ છે.

એક સમયે ગ્રીન સિટી તરીકે ઓળખાતા વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષોથી ગરમી વધુ આકરી બની છે. જાેકે,બાછલા ત્રણ દિવસ થી મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી સેન્ટિગ્રેડની ઉપર રહેતા શહેર અગનભઠ્ઠીમાં ફેરવાયુ છે. ગરમીની સાથે બફારો અને લૂ લાગે તેવા પવનોના કારણે બપોરના સમયે તો લોકોએ મહત્વના કામ સિવાય ધર તેમજ ઓફીસોની બહાર જવાનું ટાળ્યંુ હતંુ.

હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહીતી મુજબ આજે પણ મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેન્ટિગ્રેડ અને લધુત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી નોંધાયુ હતુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૫૦ ટકા જે સાંજે ૨૬ટકા અને હવાનુ દબાણ ૧૦૦૪.૪ મિલિબાર્સ અને ઉત્તર પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૬ કી.મી. નોંઘાઈ હતી.

વડોદરામાં વધુ બેનાં મોત ઃ ફુલવાડી-સોઇકુવામાં પણ ગરમીથી બેનાં મોત

આજે ગરમીના કારણે શહેરમાં વધુ બેનાં મોત નીપજ્યાં હતાં. આજે શહેરના દંતેશ્વર ગામના વચલા ફળિયામાં રહેતા મેમ બહાદુર વાલસિંગ સારકી સવારે બેભાન જેવી હાલતમાં જાેવા મળ્યા હતા. જેથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પુત્રના જણાવ્યા પ્રમાણે પિતાને ગભરામણ થતી હોવાનું જણાવ્યું હતું. બીજી ઘટનામાં ગીતાબેન વાઘેલાંને રેલવે પોલીસ બેભાન હાલતમાં એસએસજી લાવી હતી, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતો. મૃત્યુ બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કોલ્ડ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ સાથે ગરમીના કારણે વ્યક્તિઓનો મૃત્યુ આંક ૧૫ પર પહોંચ્યો હતો.બીજી તરફ નર્મદા જિલ્લામાં નાંદોદ ગરુડેશ્વર તાલુકાના ફુલવાડી અને તિલકવાડાના સોઇકુવામાં ગરમીને કારણે ૨ લોકોનાં મોત નીપજ્યા છે. એક અજાણ્યો પુરુષ લાંબી બીમારી કે ભૂખ તરસથી મોતને ભેટ્યો હતો.જ્યારે એક અજાણ્યો ઇસમ તિલકવાડા તાલુકાના સોઇકુવા ગામના મોરડુંગર જંગલમા ટીમરૂના પાના તોડવા માટે ગયા હતા. જ્યાં અસહ્ય ગરમીના કારણે મોતને ભેટ્યા હતા. એમના મૃતદેહને જંગલી જાનવરોએ કરડી ખાતા મૃતદેહ ડી-કંપોઝ હાલતમાં મળી આવ્યો હતો.

પાંચ દિવસમાં ગરમીના કારણે ૧૦૮ને વિવિધ દર્દીઓના ૩૦ કોલ મળ્યા

વડોદરા શહેર જિલ્લામાં ઇમર્જન્સી મેડિકલ સેવાઓ આપતી ૧૦૮ એમ્બ્યુલન્સ ને છેલ્લા ચાર પાંચ દિવસથી અંગ દઝાડતી ગરમી માં ડી હાઇડ્રેશન, માથાનો દુખાવો, ચક્કર, તાવ, વોમેટીઞ,ડાયરિયા વગેરેના છેલ્લા ૨૦ દિવસમાં ૮૦ જેટલા કોલ મળ્યા હતા. ત્યારે છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો ૩૦ જેટલા કોલ મળ્યા હતા. જેમાં એક દિવસમાં સરેરાશ સાતથી આઠ કોલ આવતા હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સામાન્ય દિવસોમાં ૨૪ કલાકમાં ૧૮૫ થી ૧૯૫ જેટલા સરેરાશ કોલ આવતા હોવાનું એરિયા મેનેજરે જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે હાલ જે પ્રમાણે ગરમી નો પ્રકોપ વધી રહ્યો છે, તે જાેતા ડિહાઇડ્રેશન તેમજ ઝાડા ઉલટી ડાયેરિયા ગભરામણ છાતીમાં દુઃખાવો સહિતના બનાવોમાં વધારો થવો એ સ્વાભાવિક છે.

હીટ સંબંધિત દર્દીઓને ત્વરીત સારવાર આપ સૂચના

ઓરેન્જ એલર્ટ સંદર્ભે જણાવવામાં આવેલા એક્શન પ્લાન મુજબ શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરો સાંજે ૭ સુધી ખુલ્લા રહેશે. વોર્ડ કચેરીએ ફરજ બજાવતા તમામ સફાઈ કર્મચારીઓના કામગીરીનો સમય બપોરના બેની જગ્યો ચાર કરાયો છે. ઉપરાંત જાહેર સ્થળોએ પીવાના પાણીની વ્યવસ્થા કરવા, હીટ રીલેટેડ દર્દીઓને ત્વરીત સારવાર આપવા સુચના આપી છે. રોજમદારો અને કામદારો વિગેરે માટે હંગામી આશ્રય સ્થાનો બનાવવાની સુચના પણ આપી છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution