સૌપ્રથમ વખત બજેટમાં પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન

કેન્દ્રીય બજેટ ૨૦૨૪માં પ્રાકૃતિક ખેતી પર જે રીતે મોદી સરકાર દ્વારા ફોકસ કરવામાં આવ્યું છે તે ભારત માટે ન તો કેવળ કૃષિક્ષેત્રે બલ્કે જનઆરોગ્ય, પ્રદૂષણ અને આર્થિક ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રે એક નવા યુગના મંડાણ કરશે. ભૂતકાળની કોઈ સરકારે પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક ચિકિત્સા જેવી બાબતને આટલી ગંભીરતાથી લીધી નથી. પ્રાકૃતિક કૃષિ ઉપર ભાર આપવામાં આવ્યો હોવાના કારણે રાસાયણિક ખાતરનું ઉત્પાદન ઘટશે, તે સાથે જ તેને લગતું પ્રદૂષણ ઘટશે,અને તે સાથે જ એ પ્રદૂષણને લગતી બીમારીઓ ઘટશે. અને આમ સ્વાસ્થ્ય તેમજ આર્થિક ક્ષેત્રે એક નવા સાચા અર્થના ઉત્કર્ષનો પ્રારંભ થશે. મોદી સરકાર ધીમે ધીમે પણ નક્કર રીતે પ્રાકૃતિક કૃષિ અને પ્રાકૃતિક ચિકિત્સા જેવા મૂળભૂત ભારતીય સિદ્ધાંતોને રાષ્ટ્રીય સ્તરે વ્યવહારમાં મૂકી રહી છે તે ખરેખર જ એક જબરદસ્ત હિંમત અને દુરંદેશીનું કામ છે. સરકાર આ રીતે એક કરોડ ખેડૂતોને જાેડશે, તેમને આર્થિક મદદ અને માર્ગદર્શન આપશે. તે માટે ૧૦ હજાર બાયો ઇનપુટ સેન્ટર તૈયાર કરવામાં આવનાર છે. મોદી સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫નું જે બજેટ રજૂ કર્યું તેમાં મોદી સરકારે ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. ઉપરાંત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે. કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા તેમાં એક કરોડ ખેડૂતોને સામેલ કરવામાં આવશે. ૪૦૦ જિલ્લામાં ડિજિટલ પાક સર્વે કરવામાં આવશે.

 મોદી સરકારે તેના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું. આમાં સરકારે તમામ વર્ગો માટે ઘણી જાહેરાતો કરી છે. સરકારે કૃષિ ક્ષેત્ર માટે પણ ઘણી જાહેરાતો કરી હતી. સરકારે આ વર્ગ માટે બજેટમાં ૧.૫૨ લાખ કરોડ રૂપિયાની જાેગવાઈ કરી છે.

બજેટમાં સરકારે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. નાણામંત્રી ર્નિમલા સીતારામને કહ્યું કે, કુદરતી ખેતીમાં વધારો કરવામાં આવશે. બે વર્ષમાં એક કરોડ ખેડૂતોને તેમાં સામેલ કરવામાં આવશે અને તેમને સહાય આપવામાં આવશે.

  નાણામંત્રીએ જાહેરાત કરી છે કે ખેડૂતોને કુદરતી ખેતી માટે પ્રમાણપત્ર આપવામાં આવશે અને તેના માટે બ્રાન્ડિંગની સુવિધા પણ આપવામાં આવશે. તેનો અમલ વૈજ્ઞાનિક સંસ્થાઓ અને રસ ધરાવતી ગ્રામ પંચાયતો દ્વારા કરવામાં આવશે. નાણામંત્રીની જાહેરાત મુજબ ખરીફ પાક માટે દેશના ૪૦૦ જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જેમાં ૬ કરોડ ખેડૂતોની ખેતી અને તેમની માહિતીને 'ખેડૂત અને ખેતી નોંધણી’માં સામેલ કરવામાં આવશે.

કુદરતી ખેતી એ એવી ખેતી છે જેમાં પાક પર કોઈ રાસાયણિક જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ થતો નથી . માત્ર કુદરતી ખાતરો અને અન્ય વૃક્ષો અને છોડના પાંદડાઓનો ઉપયોગ કરવામાં આવે છે, ખાતર, પશુપાલન,ગાયના છાણ અને જૈવિક જંતુનાશકો દ્વારા થતી આ એક પ્રકારની વૈવિધ્યસભર કૃષિ પદ્ધતિ છે. જે પાક, પ્રાણીઓ અને વૃક્ષોને નુકશાન કરતી નથી અને પર્યાવરણને દુષિત કરતી નથી.

કુદરતી ખેતી એ ખેતીની પ્રાચીન પદ્ધતિ છે. તે જમીનના કુદરતી સ્વરૂપને જાળવી રાખે છે. કુદરતી ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ થતો નથી, બલ્કે કુદરતમાં સરળતાથી ઉપલબ્ધ કુદરતી તત્વો અને બેક્ટેરિયાનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિ પર્યાવરણને અનુકૂળ અને પાકની કિંમત ઘટાડવામાં અસરકારક છે. કુદરતી ખેતીમાં, જીવામૃત(જીવા અમૃત), ઘન જીવામૃત અને બીજમૃતનો ઉપયોગ છોડને પોષક તત્વો આપવા માટે થાય છે. તેનો ઉપયોગ પાક પર અથવા સિંચાઈના પાણીની સાથે લીમડાની પેસ્ટ, ગૌમૂત્રનો ઉપયોગ જંતુનાશકો તરીકે થાય છે.

છેલ્લા ઘણા સમયથી આપણે પાક પર રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ કરીએ છીએ. જેના કારણે જમીનની ફળદ્રુપતા નષ્ટ થઈ રહી છે. અને જમીનનું કુદરતી સ્વરૂપ પણ બદલાઈ રહ્યું છે જે ખેડૂતો માટે ઘણું નુકસાનકારક છે. રાસાયણિક જંતુનાશકોના ઉપયોગને કારણે જળપ્રદૂષણ, વાયુપ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ દરરોજ વધી રહ્યું છે. ખેડૂતોની પાકની ઉપજની કમાણીનો અડધો ભાગ રાસાયણિક ખાતરો અને જંતુનાશકો ખરીદવામાં જાય છે. કારણ કે રાસાયણિક જીવાણુનાશક ક્રિયા ખૂબ ખર્ચાળ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution