ચૂંટણી પંચના પરિપત્રને લઇ અરજી પર હાઇકોર્ટે રાજ્ય ચૂંટણી પંચ અને સરકારને નોટિસ ફટકારી

અમદાવાદ-

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી અંગેના ચૂંટણી પંચના પરિપત્રને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને નોટિસ પાઠવી છે. આ મામલે વધુ સુનાવાની ૯મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દે રાજ્યના ચૂંટણી પંચ અને રાજ્ય સરકારને આ મુદ્દે ૬ ફેબ્રુઆરી સુધી સોગંદનામું રજૂ કરવાનો આદેશ કર્યો છે.

ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે મહાનગર પાલિકા અને પંચાયતની મતગણતરી એક સાથે રાખવામાં આવે.રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાશે અને તેની મત ગણતરી પણ બે અલગ અલગ દિવસે થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત ૬ મહાનગર પાલિકાઓના ચૂંટણીના પરિણામ માટે મતગણતરી ૨૩મી ફેબ્રુઆરીના રોજ થશે, જ્યારે નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતગણતરી ૨ માર્ચ રોજ હાથ ધરવાના ચૂંટણી પંચના આ નિણર્યને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

અમદાવાદ મહાનગર પાલિકા સહિત મહાનગર પાલિકાઓની ચૂંટણી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જ્યારે ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતની ચૂંટણી ૨૮મી ફેબ્રુઆરીના રોજ યોજાશે તેવી ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

અલગ અલગ મતગણતરીના ર્નિણયને અમે કોર્ટમાં પડકારીશુંઃ અમિત ચાવડા

સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટિ્‌વટ કર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ ૨૦૧૫માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરી છે.ચૂંટણીપંચના આ ર્નિણયને અમે કોર્ટમાં પડકારીશું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution