ઉત્તર પ્રદેશમાં અયોધ્યા સહિત ૧૭ જિલ્લામાં પૂરની પરિસ્થિતિ: ૪નાં મોત: ૧૦ લાખ વધુ લોકો પ્રભાવિત

લખનૌ::ઉત્તર પ્રદેશમાં અયોધ્યા, પીલીભીત, બરેલી, આઝમગઢ અને હરદોઈ સહિત ૧૭ જિલ્લામાં પૂરની સ્થિતિ છે. નદીઓના જળસ્તરમાં સતત વધારો અને ઘટાડો થઈ રહ્યો છે. બરેલીની બહગુલ નદીનું જળસ્તર વધતા ઘણાં ગામો પ્રભાવિત છે. પૂરના કારણે ડૂબી જવાથી બે બાળકો સહિત કુલ ચાર લોકોના મોત થયા છે.

બદાયુના દાતાગંજમાં રામગંગા નદીમાં પાણીની આવક થતા શાહજહાંપુર-લખનઉ રોડ બંધ કરાયો હતો. ફર્રુખાબાદમાં પણ રામગંગા ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. અમૈયાપુરમાં પૂરના કારણે અનેક ગામોનો વાહનવ્યવહાર ખોરવાયો છે. પ્રયાગરાજ, વારાણસી મિર્ઝાપુર, કાનપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે.

સંત કબીરનગરમાં રાપ્તી નદીએ ખતરાના નિશાનને પાર કરી લીધું હતું. સંત કબીરનગર તેમજ દેવરિયામાં સરયૂ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. આઝમગઢ, મઉ અને બલિયામાં સરયુના જળ સ્તરમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ તે હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.

વારાણસી અને મિર્ઝાપુરમાં ગંગાનું જળસ્તર વધી રહ્યું છે. પૂર અને ધોવાણના ભયને ધ્યાનમાં રાખીને નદીકાંઠાના વિસ્તારોના લોકો સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી રહ્યા છે. જૌનપુરમાં છેલ્લા ૨૪ કલાકમાં ગોમતીના જળસ્તરમાં આઠ ફૂટનો વધારો

નોંધાયો છે.

 અહેવાલ અનુસાર, ઉત્તર પ્રદેશના ૧૭ જિલ્લામાં હાલમાં પૂરની સ્થિતિ છે. જેમાં પીલીભીત, લખીમપુર, શ્રાવસ્તી, બલરામપુર, કુશીનગર, બસ્તી, શાહજહાંપુર, સીતાપુર, ગોંડા, સિદ્ધાર્થનગર, બલિયા, ગોરખપુર, બરેલી, આઝમગઢ, હરદોઈ અને અયોધ્યાનો સમાવેશ થાય છે. લગભગ ૧૦ લાખ વધુ લોકો પ્રભાવિત છે. ૬૬ તાલુકાઓમાં કુલ ૧૨૭૩ ગામોમાં લોકો પૂરનો સામનો કરી રહ્યા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution