દિલ્હી-
નેપાળમાં ભારે વરસાદને કારણે તેરાઇ વિસ્તારો અને બિહારમાં પૂરનો ભય સતત વધી રહ્યો છે. બિહારની નદીઓમાં પાણીની સપાટી સતત વધી રહી છે અને નેપાળમાં ભારે વરસાદ બાદ અહીં સુધી પહોંચતું પાણી વિનાશનું સ્વરૂપ લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 18 જૂન સુધી નેપાળ અને બિહારના 11 જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેલમચી નદીના કાંઠે આવેલા ગામોની ઝુંપડપટ્ટીના 300 જેટલી ઝૂંપડાઓ ઘસમસતા પૂરના પાણીમાં તણાઈ ગયા છે. તો લમજંગ જિલ્લામાં ઘણા મકાનોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અધિકારીઓના જણાવ્યાનુસાર નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારમાં આશરે 200થી વધુ મકાનો જોખમી અવસ્થામાં છે. સિંધુપાલ ચોકના મુખ્ય જિલ્લા અધિકારી અરૂણ પોખરેલે કહ્યું કે, નેપાળ પોલીસ, સૈન્ય અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે.