અંબાજી, તા.૫
અંબાજી -દાંતા વચ્ચે ત્રિશુડીયા ઘાટમાં સર્જાતા વારંવાર અકસ્માતના નિવારણ માટે હાલમાં માર્ગ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ માર્ગ પહોળા કરવાની કામગીરીને લઇ ત્રણ મહિના ઉપરાંત વાહનોની અવર-જવર બંધ કરી હતી.હાલમાં આ માર્ગનું કેટલુંક કામ પૂર્ણ થતા અંબાજી જતા આવતા યાત્રીકોની સુવિધા ખાતર આ માર્ગ ઉપર હાલ ધીમી ગતિએ વાહનોની અવરજવર શરૂ કરાઇ છે. આ માર્ગ હજી સંપૂર્ણ રીતે પુરો નથી થયો અને વાહનચાલકોને મળેલી સામાન્ય છૂટછાટના પગલે વાહનોની અવરજવર શરુ થતા હમણાં સુધી ચાલુ કામે પાંચ અકસ્માતો સર્જાઈ ચુક્યા છે.રવિવારે પણ એક માર્બલના પથ્થર ભરેલો ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ ટ્રકની સામેથી આવી રહેલી એક કારને બચાવવા જતા પથ્થર ભરેલી ટ્રક પલટી હતી.ટ્રકમાં ભરેલા પથ્થરો કાર ઉપર પડતા કારમાં બેઠેલા પાંચ મુસાફરોને ઇજાઓ થઇ હતી. આ તમામ ઇજાગ્રસ્તોને હાલ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે આ ટ્રક થોડે દૂર પલટી જતા મોટી જાનહાનિ થતા રહી ગઇ છે. આ માર્ગને પહોળો કરવાની કામગીરી સાથે અકસ્માત નિવારવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરને આ માર્ગ ઉપર ઉતરતી બાજુએ સ્પીડ બ્રેકર મુકવા માંગ કરાઈ હતી જેને લઇ ચાલુ કામે પાંચથી છ ટ્રક શરુઆતમાં મૂકવામાં આવ્યા હતા. જેનાથી મોટાભાગના અકસ્માતનો બચાવ થયો હતો. હાલમાં આ માર્ગ બન્યા બાદ એક પણ સ્પીડ બ્રેકર ન મુકાતા ફરી અકસ્માતોની વણઝાર શરુ થઈ છે.