એવરેસ્ટ પર નેપાળી સેનાનું સફાઈ અભિયાન પૂર્ણ પાંચ માનવ અવશેષો અને ૧૧ ટન કચરો દૂર કરાયો

કાઢમાંડૂ: નેપાળી સેનાએ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર સફાઈ અભિયાન શરૂ કર્યું. ઓપરેશનના ભાગ રૂપે, નેપાળ આર્મીના સૈનિકોએ એવરેસ્ટ ક્ષેત્રમાંથી પાંચ માનવ અવશેષો અને ૧૧ ટન કચરો દૂર કર્યો. નેપાળી સેનાનું આ સફાઈ અભિયાન લગભગ બે મહિના સુધી ચાલ્યું. નેપાળી સેના દ્વારા વર્ષ ૨૦૧૯માં પર્વત સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને આ પ્રકારનું આ ચોથું અભિયાન છે.નેપાળી આર્મીને માઉન્ટ એવરેસ્ટની સફાઈ કરતી વખતે ચાર માનવ મૃતદેહો અને એક હાડપિંજર મળી આવ્યું હતું. આ મૃતદેહો એવરેસ્ટ પર ચઢી રહેલા પર્વતારોહકોના છે, જેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. માઉન્ટ એવરેસ્ટ નજીક માઉન્ટ લોત્સે અને માઉન્ટ નુપ્ટસેના વિસ્તારોમાં સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. નેપાળી સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સફાઈનો હેતુ હિમાલયને પ્રદૂષણથી બચાવવા અને સંવેદનશીલ હાઈલેન્ડ વિસ્તારોને ગંદકીથી બચાવવાનો છે. ક્લાઈમેટ ચેન્જના આ યુગમાં પહાડોમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગઈ છે.જ્યારે નેપાળ આર્મીએ બે મહિના પહેલા એટલે કે ૧૧ એપ્રિલે આ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું, ત્યારે હિમાલયમાંથી ૧૦ ટન કચરો લાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. નેપાળી આર્મીના મેજર આદિત્ય કાર્કીના નેતૃત્વમાં ૧૨ સભ્યોની ટીમ દ્વારા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આ આર્મી ટીમની મદદ માટે ૧૮ સભ્યોની શેરપા ટીમ પણ તેમની સાથે રહી હતી. નેપાળના આર્મી ચીફ પ્રભુ રામ શર્માએ એવરેસ્ટ પર સફાઈ અભિયાન હાથ ધરનાર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution