દિલ્હી-
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં આગ લાગેલી છે. દર બીજા દિવસે ઈંધણના ભાવોમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. મે મહિનામાં કુલ ૧૬ દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. એક તો પેટ્રોલ અને ડીઝલ પોતાના ઉચ્ચતમ સ્તરે વેચાઈ રહ્યા છે. બીજી તરફ દેશના અનેક શહેરોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરથી પણ મોંઘું વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવ પણ આ શહેરોમાં રેકોર્ડ સ્તર પર છે. સોમવારે મુંબઈમાં પેટ્રોલ ૧૦૦.૪૭ રૂપિયા પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું છે. મહારાષ્ટ્રના પરભનીમાં પણ પેટ્રોલ પહેલા જ ૧૦૦ને પાર વેચાઈ રહ્યું હતું. અહીં આજે પેટ્રોલની કિંમત ૧૦૨.૨૭ રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ રાજસ્થાનના શ્રીગંગાનગર અને મધ્ય પ્રદેશના અનૂપપુર અને ભોપાલમાં પણ પેટ્રોલ ૧૦૦ રૂપિયાની ઉપર છે. ભોપાલમાં પેટ્રોલની કિંમત ૧૦૨.૦૪ રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.