ઈન્સ્યોરન્સ કંપનીની ઓફિસમાં એસીમાં ધડાકા સાથે આગ ઃ ૬ કર્મચારીઓ ઈજાગ્રસ્ત, બેની હાલત ગંભીર

વડોદરાના ઓપી રોડ મલ્હાર પોઈન્ટ નજીક ચિત્રા કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની ઓફિસમાં ૧૧ વાગ્યા આસપાસ ધડાકો થતાં નાસભાગ મચી હતી. એકાએક બ્લાસ્ટ સાથે આગ લાગતા કંપનીમાં કામ કરતા મહિલા સહિત ૬ લોકોને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત કર્મચારીઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં બેની હાલત ગંભીર છે.

ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ શહેરના જૂના પાદરા રોડ મલ્હાર પોઈન્ટ પાસે આવેલ કોમ્પ્લેક્સના ત્રીજા માળે આગ લાગી છે. શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની આ ઓફિસ ૨૫ બાય ૨૫ ફૂટની છે. ઓફિસમાં ૬ જેટલા કર્મચારી કામ કરી રહ્યા હતા. સવારના સમયે અચાનક ધડાકા સાથે આગ લાગતા ઓફિસની આગળના કાચ સહિતના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અને કાટમાળ નીચે પડ્યો હતો. અચાનક બ્લાસ્ટ થતાં ઓફિસમાં કામ કરી રહેલા ૬ કર્મચારીઓને ઈજાઓ થતાં, તુરંત તેમને એમ્બ્યૂલન્સમાં સારવાર અર્થે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી ગયા હતા. ફાયર ઓફિસરે કહ્યું હતંુ કે, અંદાજે ૨૫ બાય ૨૫ ફૂટની ઓફિસમાં શું ઘટના ઘટી છે અને કેવી રીતે આ બ્લાસ્ટ થયો છે? તેની અમે તપાસ કરી છે.

બ્લાસ્ટ અંગે માહિતી મળતાં જ એસીપી અને ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બ્લાસ્ટ થવાને કારણે ઓફિસમાં રહેલા કાચના ફૂરચા ઊડી ગયા હતા. આ ઉપરાંત અન્ય વસ્તુઓ પણ વેરવિખેર થઈ ગઈ હતી. પોલીસે બ્લાસ્ટનુ કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી હતી. ઈજાગ્રસ્તોમાં બેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. શ્રીરામ જનરલ ઇન્શ્યોરન્સની ઓફિસમાં કામ કરતા કેટલાક કર્મચારીઓ વરસાદના કારણે મોડા પડ્યા હતા હતા. જેથી તેઓ આ દુર્ઘટનામાં સપડાતા બચી ગયા હતા. ઓફીસમાં ફાયર એકસ્ટિંગ્વિશર પણ ઇન્સ્ટોલ કરેલું હતું. ઓફિસમાં રહેલા સોફા, ટ્યૂબલાઈટ અને પંખામાં તેમજ ફર્નિચરને પણ નુકસાન થયું હતંુ.

ડ્રેનેજમાંથી ટોઈલેટ દ્વારા મિથેન ગેસ ઓફિસમાં પ્રસરતા બ્લાસ્ટ થયો

એફએસએલના પ્રાથમિક રિપોર્ટ મુજબ ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોવાથી ડ્રેનેજમાંથી મિથેન ગેસ ટોઇલેટના માધ્યમથી ઓફિસમાં જમા થયો હતો. ટોઇલેટનો દરવાજાે ખુલ્લો હતો અને છેલ્લા બે દિવસથી ઓફિસ બંધ હતી. આજે સવારે સ્ટાફ આવ્યો અને દરવાજાે ખુલ્યા બાદ સ્વીચ ચાલુ કરતા બ્લાસ્ટ થયો હતો. ઓફિસનો મુખ્ય દરવાજાે ખુલ્લો હોવાથી બ્લાસ્ટની અસર ઓછી થઈ છે, મુખ્ય દરવાજાે બંધ હોત તો વધારે અસર થઈ હોત, જ્યારે ગટરમાં કચરાનું પ્રમાણ વધી જાય છે, ત્યારે મિથેનનું ઉત્પાદન થાય છે. ગેસને બહાર નીકળવા જગ્યા નહીં મળતા ગેસનો સંગ્રહ થતો રહે છે. આગના એક નાનો તણખાથી મિથેન ગેસનો મોટો જથ્થો એકીસાથે સળગી ઉઠે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution