બા તો, હું નાનો હતો ત્યારે જ ગુજરી ગયેલા. બાપુજીએ મને બાની ખોટ પડવા દીધી નો'તી.
હું મેટ્રિકમાં ભણતો, એ વર્ષે શિયાળામાં ખૂબ જ ટાઢ પડી હતી. સાંજના હું નિશાળેથી આવું એટલે બાપુજી ઠીકરાનાં કૂબા જેવા ઠામમાં તાપણું કરતા, તેની બાજુમાં મને બેસાડતાને કહેતા, “બેટા રવજી, ટાઢાબોળ વાયરામાં તાપણા વગર બેસીએ તો પેટમાં ટાઢ જાય અને પછી માંદા પડીએ.” તે તાપણા પાસે બેઠા બેઠા બીડી સળગાવે.
શિયાળામાં તાપણા વગરનું બાપુજીને ઘડીકેય ગમતું નહીં. શિયાળો બેસે એટલે પેલું કામ તાપણું કરવાનું કરે. તાપણું બાપુજીને જીવથી પણ વધારે વ્હાલું.
એ વર્ષે મેં સારા માર્કે મેટ્રિક પાસ કર્યું અને શહેરમાં આવ્યો, એક કારખાનામાં મને કારકૂનની નોકરી મળી ગઈ. એ પછીના મહિનામાં જ બાપુજીનું અવસાન થયું. કદાચ એ એકલા તાપણુ જીરવી ના શક્યા!
આજે બાપુજી ગુજરી ગયાને પંદર વર્ષ વીતી ગયા છે. મારે નોકરીને લીધે શહેરમાં જ રહેવું પડે છે. પણ જ્યારે શિયાળો આવે ને ટાઢ પડવાની શરૂઆત થાય એટલે બાપુજી મને બોલાવતાં હોય એવું લાગે. બીજા જ દિવસે હું ગામડે ઉપડું; પંદર વર્ષથી સાચવેલા ઠીકરાનાં કૂબા જેવા ઠામમાં તાપણું કરું. પછી આખી રાત તાપણાં પાસે બેસુું. લાગે કે જાણે બાપુજી મારી પાસે જ બેઠા છે.
પંદર વર્ષથી આ ક્રમ ચાલતો આવે છે. હવે જ્યારે મારો દીકરો વિદેશ જવાની વાત કરે ત્યારે મને તરત જ બાપુજી અને તાપણું યાદ આવી જાય છે અને હૈયું ધબકારો ચુકી જાય છે.