નડિયાદ : સમગ્ર રાજ્યમાં જ્યાં રસ્તાઓના ખાડા માટે સત્તાધીશો અને તંત્ર પર માછલાં ધોવાઈ રહ્યાં છે, ત્યાં ખેડા જિલ્લામાં પણ ખાડાઓ મુદ્દે તંત્ર અને સ્થાનિક નેતાઓ ભીંસમાં મૂકાયાં છે. આ મામલે ખેડા જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. ખેડા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા આ મુદ્દે પોસ્ટ વાયરલ કરી શ્રેષ્ઠ ખાડા શોધો પ્રતિયોગિતા જાહેર કરી છે, જેમાં રસ્તા પરના રોલર કોસ્ટર સાથે સેલ્ફી લઈ અને સોશિયલ મીડિયામાં તેને હેશટેગ સેલ્ફી વિથ ખાડા સાથે પોસ્ટ કરવા માટે આહવાન કરાયું છે. તેમજ આ સેલ્ફી યુથ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલાં એક નંબર પર વોટ્સએપ કરવા માટે જણાવ્યંુ છે.
આ પોસ્ટ વાયરલ થયાં બાદ સમગ્ર ખેડા જિલ્લાનું તંત્ર શરમજનક સ્થિતિમાં મૂકાયું છે. તેમજ તાત્કાલિક ધોરણે તંત્રએ હરકતમાં આવી જિલ્લામાં ખાડાઓ શોધી શોધીને પૂરવાનું શરૂ કર્યુ છે. બીજી તરફ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગભાઈ બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં તેમણે નડિયાદ શહેરના રોડ રસ્તાઓ અંગે રજૂઆત કરી છે. આ આવેદનમાં તેમણે જણાવ્યું છે કે, નડિયાદ નગરપાલિકાએ છેલ્લાં એક વર્ષમાં આરસીસી રોડ અને ડામર રોડ બનાવ્યાં છે, તે બિલકુલ હલકી ગુણવત્તાવાળા છે, જેનાં કારણે શહેરમાં ઠેર-ઠેર રસ્તાઓ ધોવાઈ ગયાં છે. મોટા-મોટા ખાડા પડ્યાં છે. આવા રસ્તાથી નાગરિકોને કોઈ નુકશાન ન થાય તે માટે તાત્કાલિક ધોરણે તેનું સમારકામ કરવામાં આવે. આ સાથે જે કોન્ટ્રેક્ટરોએ રસ્તા બનાવ્યાં હોય તેમની ગેરંટી તથા ટાઇમલિસ્ટમાં આવતાં રસ્તાનો તમામ ખર્ચ કોન્ટ્રેક્ટર પાસે વસૂલ કરવા વિનંતી કરાઈ છે. સાથે જ આવા કોન્ટ્રેક્ટરોને બ્લેક લીસ્ટ કરવાની પણ માગ કરી છે.