અમદાવાદ-
૧૦ વર્ષમાં ૩૦થી ૩૫ વર્ષના યુવાનોમાં હાર્ટ એટેક સાથે સારવાર માટે આવે છે. તમામ વર્ગના લોકોની લાઇફ સ્ટાઇલ ફાસ્ટ બની છે, તેમજ પ્રેશર ઓફ પર્ફોર્મન્સને લીધે બધાંજ પ્રેશરમાં જીવી રહ્યાં છે. ૩૫થી ૪૦ વર્ષે કોઇ યુવાન છાતીનો દુખાવો લઇને આવે તો અવગણી શકાય નહીં, જેથી હૃદયની તમામ તપાસ કરવી જરૂરી બને છે. યુ.એન.મહેતા અને એપોલો હોસ્પિટલના સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડો.જયેશ પ્રજાપતિ જણાવે છે કે, અપુરતી ઉંઘ, કોમ્પિટીશન, ખોરાકની અનિયમિતતા, ધુમ્રપાન અને આલ્કોહોલનું વધુ સેવનને કારણે પણ હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.
બિગ બોસ અને બાલિકા વધુ ફેઇમ સિધ્ધાર્થ શુક્લાનું ૪૦ વર્ષની વયે ગુરુવારે હાર્ટએટેકથી મોત થતાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પરંતુ, ચોંકાવનારી વાત એ છે કે, પહેલાં ૫૦ વર્ષની વયજૂથના લોકોમાં હાર્ટએટેક જાેવા મળતો હતો. પરંતુ, ફાસ્ટ લાઇફ સ્ટાઇલ અને સ્ટ્રેસને લીધે છેલ્લાં દશકાથી ૨૦-૪૦ વયજૂથના લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે. તેમાંય છેલ્લાં ૩-૪ વર્ષમાં ૩૦-૪૦ વયજૂથમાં ૨૦ ટકા અને ૨૦-૩૦ વયજૂથમાં ૧૦ ટકા જેટલું હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું હોવાનું શહેરના જાણીતા કાર્ડિયોલોજીસ્ટ જણાવી રહ્યા છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે વર્ષ ૧૯૮૦થી ૯૦ના ગાળામાં ૫૫થી ૬૦ વર્ષે દર્દીમાં હાર્ટએટેક આવતો હતો.