રાજકોટ-
દેશ માં રાજકારણ સાથે સંકળાયેલા નેતાઓ, ધારાસભ્યો અને સાંસદો સામેના કેસ ઝડપભેર ચલાવવા સુપ્રીમ કોર્ટ દ્વારા થયેલા હુકમ બાદ નેતાઓ ના કેસો નું ઝડપથી નિરાકરણ આવી રહ્યું છે ત્યારે ગુજરાત ના ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુકશાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય સહિત પાંચ ને છ માસની જેલ અને રૂ.૧૦ હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. વિગતો મુજબ ધ્રોલમાં આરોગ્યની કથળેલી સેવા મામલે તા.૧૬-૭-ર૦૦૭ના રોજં જોડીયા બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય અને હાલમાં જામનગર ગ્રામ્યના ભાજપા ના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિતના કેટલાક લોકો ધ્રોલ સરકારી દવાખાનામાં આવેદનપત્ર આપવા અને તે અંગે રજુઆત માટે ગયા બાદ દવાખાનામાં તોડફોડ ની ઘટના બનતા આ અંગે પબ્લીક પ્રોપર્ટી ડેમેજીસ એક્ટ હેઠળ તત્કાલિન આરોગ્ય અધિકારીએ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે કેસ ચાલી જતાં આજે ધ્રોલની કોર્ટએ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા એમ પાંચ વ્યક્તિઓને તકસીરવાન ઠેરવીને છ માસની જેલ સજા અને રૂ.૧૦ હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો.
જે બાદ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત પાંચ લોકોએ ઉપલી અદાલતમાં અપીલમાં જવા માટે કાનુની જોગવાઈ મુજબ કોર્ટમાં અરજી કરી હતી અને જામીન મેળવ્યા હતા. આ કેસમાં કોર્ટે અન્ય ત્રણ વ્યક્તિઓ પાંચાભાઈ ભરવાડ, શબીર ચાવડા, લખધીરસિંહ જાડેજાને નિર્દોષ જાહેર કરવામા આવ્યા હતા. આમ ધ્રોલ માં આ મુદ્દો દિવસભર છવાયેલો જોવા મળ્યો હતો.
નેતાઓ સામે થયેલા કેસ નું હવે ઝડપથી નિરાકરણ લાવવા ગતિવિધિ હાથ ધરાતાં અન્ય મામલા પણ સામે આવે તેમ મનાઈ રહ્યુ છે.