અમદાવાદ-
પ્રેમલગ્ન કરનાર બહેનનું ભાઈએ જ મિત્ર સાથે મળી અપહરણ કર્યાનો બનાવ અમદાવાદનાં રામોલ વિસ્તારમાં બન્યો હતો. અકસ્માત કર્યો છે તેમ કહી શખ્સો બહેનને ઉઠાવી રાજસ્થાન લઈ ગયા હતા. જોકે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપી ઓની ધરપકડ કરી છે. અવારનવાર ફિલ્મોમાં એવી કહાનીઓ જોવા મળતી હોય છે કે જેમાં કોઈ યુવતી પ્રેમ લગ્ન કરે તો બાદમાં તેનો ભાઈ તેના મિત્રો સાથે મળી કોઈપણ પ્રકારનું નાટક રચી આ બહેનને ઉઠાવી જતા હોય છે. આવી જ ઘટના અમદાવાદના રામોલ વિસ્તારમાં બની હતી. જેમાં એક યુવતીએ પ્રેમલગ્ન કર્યા અને બાદમાં અમદાવાદમાં રહેતી હતી, ત્યારે આ યુવકનો સાળો તેના મિત્ર સાથે આવ્યો હતો અને તેણે અકસ્માત કર્યો છે તેમ કહી શખશો તેની ગાડીમાં બેસાડી લઈ ગયા હતા.
બાદમાં આ યુવકનો સાળો અને તેનો મિત્ર આ યુવકની પત્નીનું અપહરણ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે રાજસ્થાનથી યુવતીને મુક્ત કરાવી તેના પિતા-પુત્ર અને તેના મિત્ર રૂપલાલની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે આ અંગે કરેલી પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ યુવતીનું અપહરણ કરીને રાજસ્થાન તેમના વતન જઈ રહ્યા હોવાનું સામે આવ્યું. જે અંગેની બાતમી મળતા જ પોલીસ એ સ્થાનિક પોલીસની મદદ લઇને પરિણીતાને મુક્ત કરાવી છે. જોકે આરોપીઓએ આવું શા માટે કરવું પડ્યું તે અંગે પોલીસે પુછપરછ કરતા સામે આવ્યું કે જ્યારે ભોગ બનનાર યુવતીના માતા પિતાએ તેના લગ્ન મરજી વિરુદ્ધ કર્યા હતા. જેથી યુવતીએ પ્રેમ લગ્ન કરી અમદાવાદ બે મહિનાથી રહેવા આવી ગઈ હતી. જો કે યુવતી એ પ્રેમ લગ્ન કરતાં તેના પિતા અને ભાઈ એ અન્ય ત્રણ લોકો સાથે મળીને અપહરણ કર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલ પોલીસ અપહરણમાં સામેલ અન્ય બે મિત્રોની શોધખોળ કરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.