અમદાવાદ-
અમદાવાદ મોટેરા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે, જેને લઇને બધી બાજુ ટીકા થઇ રહી છે. કોંગ્રેસના નેતાઓ તો ભાજપ પર આકરા પ્રહારો કરી રહી છે, જેમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પણ બે ટ્વીટ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ રાખવાનો વિરોધ કર્યો છે. હાર્દિક પટેલે કહ્યું હતું કે, દુનિયાના સૌથી મોટા અમદાવાદ સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. શું આ સરદાર પટેલનું અપમાન નથી? સરદાર પટેલના નામ પર મત માગનારી ભાજપા હવે સરદાર સાહેબનું અપમાન કરી રહી છે.
હાર્દિક પટેલે વધુમાં લખ્યું હતું કે, ગુજરાતની જનતા સરદાર પટેલના નામનું અપમાન નહીં સહન કરે. ભારત રત્ન, લોહ પુરુષ સરદાર પટેલે RSS પર પ્રતિબંધ લગાવ્યો હતો અને તેના કારણે RSSના શિષ્યો સરદાર પટેલનું નામ મીટાવી દેવાની તમામ સંભવ કોશિશ કરી રહ્યા છે. બહારથી મિત્રતા પણ અંદરથી દુશ્મનાવટ, આ વ્યવહાર ભાજપનો સરદાર પટેલ સાથે છે. એક વાત યાદ રાખજો સરદાર પટેલનું અપમાન ભારત સહન કરશે નહીં. ઉલ્લેખનીય છે કે, આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું અને પછી જાહેરાત થઇ હતી કે, આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિયમંત્રી અમિત શાહ જાહેરાત કરી હતી કે, આ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હશે.