ગાંધીનગર-
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉત્તર પ્રદેશમાં વસ્તી નિયંત્રણ બીલ પર નિવેદન આપતા કહ્યું હતું કે, અન્ય રાજ્યોના વસ્તી નિયંત્રણ અંગેના કાયદાનો અમે અભ્યાસ કરીશું. રાજ્યમાં આ અંગે કેટલાય સમયથી કામગીરી કરવામાં આવી રહી છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે કરતા વધુ બાળકો હોય તો તે ચૂંટણી ન લડી શકે તે નિયમ પણ અમલી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે કે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ રાજ્ય સરકાર હસ્તકની ચૂંટણીઓ છે અને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી કરવામાં આવે છે. આ ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે અથવા તો આ સંસ્થાના સભ્ય થવા માટે ઘણા વર્ષ પહેલા આપણે કાયદો કર્યો છે અને તે સફળતા પૂર્વક અમલમાં પણ મૂકાઈ ગયો છે કે, બેથી વધુ બાળકો ધરાવતા પરિવારના વ્યક્તિઓ આ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે નહીં અને સભ્ય પદ મેળવી શકે નહીં. એટલે આ વિચાર ગુજરાતમાં ઘણા વર્ષ પહેલા અમારી સરકારે અમલમાં મૂક્યો છે. બીજા પણ નાના મોટા અનેક નિયમો અમે બનાવ્યા છે. જે વસ્તી નિયંત્રિત રાખે, પ્રજાના વધુ બાળકો પેદા ન કરવા માટે જે સમજાવટ કરવાની થાય કે, નાનું કુટુંબ સુખી કુટુંબએ પ્રમાણે પરિવાર નિયોજન પ્રમાણે સમજાવટ કરવાની થાય આ બધા માટે અમારો આરોગ્ય વિભાગ અને ગુજરાતની સરકાર સતત પ્રયત્ન કરે છે.