ગાંધીનગર-
ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપની વિજય તરફ આગેકૂચ થઈ રહી છે. ભાજપનો હાલમા વિજયોત્સવ ચાલી રહ્યો છે. જેમાં મુખ્યમંત્રી રૂપાણી અને પાટીલ એકજ કારમાં આવ્યાં હતાં અને વિક્ટરીની સાઈન બતાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કહ્યું હતું કે આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકો અને સરકારના કામોનું પરિણામ મળ્યું છે. 2015માં ભાજપને નુકસાન હતું તે આજે વ્યાજ સાથે પૂરું કર્યું છે. 2015માં ભાજપ 5 જિલ્લા પંચાયતોમાં લીડ પર હતી. આજે 31 પંચાયતોમાં લીડ પર છે. મેં 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે 31 જિલ્લા પંચાયત ભાજપ જીતશે.હું વડાપ્રધાન મોદી અને મતદારોનો આભાર માનું છું. તમામ મતદારોએ ભાજપને સમર્થન આપ્યું તે માટે ખૂબ જ આભાર, તમામ આગેવાનો, મંત્રીઓ અને સરકારે જે કામ કર્યું તે સૌનો આભાર માનું છું. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની ફરજો પુરી કરશે.
મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ગુજરાત ભાજપનો ગઢ છે. આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે. સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી મોટી સફળતા નથી મળી. ભૂતકાળમાં કોઈ પાર્ટીને આટલી બેઠકો મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજ્યમાં નથી મળી તે કાર્યકતાઓ અને સીઆરની ટીમને કારણે થઈ છે. સી.આર પાટીલ અને સંગઠનની ટીમનો આભાર માનું છું.વિકાસની રાજનીતિ જ અમારો ચૂંટણીનો મુદ્દો હતો. 2022માં ફરી ભાજપની સરકાર બનશે. હું કાર્યકરોને વિજય પણ વિનમ્રતાથી ઉજવવા કહું છું. પ્રજાને વિશ્વાસ થાય તે રીતે કામ થાય તેમ કરવાનું છે કોંગ્રેસ ડૂબતી નાવ છે, કોંગ્રેસ વિપક્ષ માટે લાયક નથી, પ્રજાએ કોંગ્રેસના નેતાઓને ગોતી ગોતી હરાવ્યા છે. અમે કોઈ પાર્ટીને વિપક્ષ તરીકે નથી ગણતા, આમ આદમી કે અન્ય કોઈ પાર્ટી મુશ્કેલી ઉભી નહિ કરે.આમ આદમી પાર્ટી 16 બેઠક જીતી એ કઈ જીતી ન કહેવાય. સી. આર.પાટીલ પ્રમુખ બન્યા પછી પેજ પ્રમુખની નીતિ સફળ રહી, સંગઠને સારું કામ કર્યું છે