ઘરમાં બનતી સૌથી સરળ, ભાવતી અને સ્વાદિષ્ટ વાનગી એટલે બટાકા પૌંઆ. ઓરિજિનલી આ વાનગી મહારાષ્ટ્રની છે, પણ આજે બટાકા પૌંઆ ભારતના મોટા ભાગનાં ઘરોમાં બને છે. બટાકા પૌંઆની જેમ જ કાંદા પૌંઆ અને સિંગ પૌંઆ જાણીતા છે. જોકે, આજે આપણે ઇઝી બ્રેડ પૌંઆ બનાવવાની રીત વિશે વાત કરવાના છીએ.
સામગ્રી: તેલ, રાઈ, હિંગ, જીરું, મીઠો લીમડો, સિંગદાણા, તલ, બટાકા, પૌંઆ, મરીનો ભૂકો, મીઠું, કોથમીર, લીંબુનો રસ, બ્રેડના ટુકડા, વટાણા, લાલ મરચું, હળદર, લીલાં મરચાં,ખાંડ, કોપરાંનું છીણ.
રીત : એક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમાં રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાનાં પાન, સિંગદાણા અને તલ નાંખી વઘાર કરો. વઘાર તતડી જાય એટલે તેમાં આખું લાલ મરચું અને બાફેલા લીલા વટાણા નાંખ. વટાણાને થોડીવાર સુધી સાંતળો. હવે તેમાં બ્રેડના નાના ટુકડા ઉમેરો. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરો. આ બધાને બરાબર સાંતળો. હવે તેમાં થોડીવાર સુધી પલાળેલા પૌંઆ ઉમેરો. પૌંઆ ઉમેર્યા બાદ તેમાં બારીક સમારેલું લીલું મરચું, મરીનો ભૂકો ઉમેરો. બધી જ વસ્તુને બરાબર હલાવો અને મસાલો એકસમાન રીતે ભળી જાય તે જુઓ. બરાબર સંતળાઈ જાય એટલે તેમાં ઉપરથી લીંબુનો રસ, થોડી ખાંડ, કોપરાનું છીણ અને બારીક સમારેલી કોથમીર ઉમેરો. હવે ગેસ બંધ કરી પૌંઆને બરાબર હલાવી સર્વ કરો. તો તૈયાર છે ઇઝી, ફાસ્ટ અને ટેસ્ટી એવા બ્રેડ પૌંઆ. જો તમારે તેમાં તીખી સેવ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો. બાળકોને ભાવે એ માટે ચીઝ છીણીને નાંખવું હોય તો નાંખી શકો છો. ડુંગળી સમારીને ઉપરથી ભભરાવી શકો છો.