રાજકોટના ગેમ ઝોનમાં ભીષણ આગ : ૨૪ ભડથું

રાજકોટ :રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં અત્યાર સુધી ૨૪ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. આ ગેમ ઝોનમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી રહી છે.

અહેવાલો પ્રમાણે, આ ઘટના પછી ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન અનેક લોકોને બચાવી પણ લેવાયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જેમણે સમગ્ર ગેમ ઝોન બંધ કરવાનો આદેશ આપ્યો છે.

ગેમ ઝોનની સફરે આવીને આગના કારણે મોતના મુખમાં ધકેલાઈ જનારા તમામ મૃતકો ગોંડલના હોવાનું કહેવાય છે. આ દરમિયાન કુલ ૨૪ મૃતદેહ રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે અનેક મૃતદેહો રાખમાં ફેરવાઈ ગયા હતા, જ્યારે કેટલાકની તો ઓળખ પણ થઈ શકે એમ ન હતી.

નાના મવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગી હતી. ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગ એટલી વિકરાળ હતી કે, પાંચ કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોટા જાેવા મળી રહ્યા હતા. આ અંગે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.’

આ ભીષણ આગમાં મૃતદેહો ઓળખાય નહીં એ હદે સળગી ગયા હતા. આ અંગે પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ઘણાં મૃતદેહો બળી ગયેલા છે. હાલ કેટલાક મૃતદેહની ઓળખ પણ થઈ શકી નથી, પરંતુ અમે ડીએનએ ટેસ્ટ કરી મૃતદેહો ઓળખીશું. આગની ઘટનાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ઠ’પર પોસ્ટ કરીને લખ્યું ‘રાજકોટમાં ગેમ ઝોનમાં સર્જાયેલી આગની દુર્ઘટનામાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી માટે મહા નગરપાલિકા અને વહીવટી તંત્રને સૂચના આપી છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર મળે તે માટેની વ્યવસ્થાઓને પ્રાથમિકતા આપવાની પણ સૂચના અપાઈ છે.’

આ બનાવની જાણ થતાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે જાનહાનિની આશંકા વ્યક્ત કરતાં તમામ લોકો સલામત બહાર આવે તેવી પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘અત્યારે પ્રાથમિક્તા આગ બૂઝાવવાની છે. આ મામલે જે કોઈ પણ જવાબદાર હશે, તેને છોડવામાં નહીંં આવે.’ રાજકોટ ગેમઝોન આગ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટિલે સંવેદન વ્યક્ત કરી છે. સીઆર પાટીલે રાજકોટ શહેરના તમામ કોર્પોરેટર ધારાસભ્યોને મદદ માટે આગળ આવવા સૂચના આપી છે. ઘટના ખુબ જ દુઃખદ હોવાનું જણાવ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution