અયોધ્યા સહિત દેશના આ 3 સ્થળોએ આતંકી હુમલાની દેહશત, સુરક્ષા એજન્સી સર્તક 

દિલ્હી-

પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ રામ મંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યા, દિલ્હીઅને જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર ઘડયું છે. ભારતની ગુપ્તચર એજન્સી રૉએ ત્રણેય રાજ્યોમાં એલર્ટ જારી કર્યો છે.

ગુપ્તચર એજન્સીના અહેવાલ પ્રમાણે રામમંદિરના ભૂમિપૂજન કાર્યક્રમ પહેલાં અયોધ્યામાં મોટા આતંકવાદી હુમલાને અંજામ આપવાનું ષડયંત્ર પાકિસ્તાની આતંકવાદી સંગઠનો - જૈશ એ મોહમ્મદ અને લશ્કર-એ-તોયબાએ ઘડયું છે. તે ઉપરાંત પાટનગર દિલ્હી અને જમ્મુ-કાશ્મીરમાં પણ મોટા હુમલાની ફિરાક આ આતંકવાદી સંગઠનોએ શરૂ કરી છે. 

ત્રણેય રાજ્યોના સુરક્ષાદળોને રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)એ ચેતવણી આપી છે. ગુપ્તચર અહેવાલમાં દાવો થયો હતો કે પાક.ની નાપાક જાસુસી એજન્સી આઈએસઆઈના ઈશારે આ આતંકવાદી સંગઠનો અયોધ્યા, દિલ્હીમાં હુમલો કરવાની પેરવી કરી રહ્યાં છે. રૉના અહેવાલ પ્રમાણે છેક ૧૫મી ઓગસ્ટ સુધી આ આતંકવાદીઓ ગમે ત્યારે હુમલો કરી શકે છે.

દરમિયાન જમ્મુ-કાશ્મીર સરહદે નૌશેરા સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલાં બે પાકિસ્તાની આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યા છે. એક આતંકવાદી ઘાયલ થયો છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ રદ્ થયાનું એક વર્ષ પૂરું થતું હોવાથી જમ્મુ-કાશ્મીરમાં મોટો હુમલો કરવા માટે પાકિસ્તાનમાંથી આ આતંકવાદીઓને ઘૂસાડવામાં આવી રહ્યા છે. 

જમ્મુ-કાશ્મીરમાં નવા આતંકવાદી સંગઠન એન્ટી ફાસિસ્ટ પીપલ્સ ફ્રન્ટ નામના આતંકવાદી સંગઠનની સક્રિયતા વધી છે. કુલગામમાં પોલીસકર્મચારીઓની હત્યા થઈ હતી, તેની જવાબદારી આ આતંકવાદી સંગઠને લીધી છે. એક વીડિયો જારી કરીને આતંકવાદી સંગઠને આવા વધારે હુમલા કરવાની ધમકી આપી હતી. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution