સચિનનાં વકતાણા ગામે વેપારીની જમીન ઉપર કબજાે કરનાર પિતા-પૂત્રની ધરપકડ

સુરત, હાર્ડવેરના વેપારીએ ખરીદેલી વક્તાણા ગામની જમીન ઉપર ગેરકાયદે કબજાે જમાવી દેનારા વેસુના શાહ પિતા-પૂત્રની પોલીસે લેન્ડ ગ્રેબિંગના ગુના હેઠળ ધરપકડ કરી હતી.સચિન પોલીસ પાસે મળતી માહિતી અનુસાર વરાછામાં યોગીચોક પાસે શિવધારા હાઇટ્સમાં રહેતા જીગ્નેશકુમાર  જમનાદાસ ખાંટ હાર્ડવેરના વેપારી છે. જુનાગઢના વંથલી તાલુકાના વતની જીગ્નેશ ખાંટ વરાછા યોગીનગર ખાતેમાં ઉમિયા ટ્રેડીંગ નામથી દુકાન ધરાવે છે. વક્તાણા ગામે આવેલી રઘુભાઈ પરભુભાઈ રાઠોડ વિગેરેની માલિકીની બ્લોક નંબર : ૨૪૦ પૈકીની ૨૦,૦૩૨ ચોરસ મીટર જમીન ખાંટે ખરીદવી હતી. જેથી જમીનના માલીકોએ કલમ-૭૩(એ)(એ) ની વેચાણ પરવાનગી મેળવવા કલેકટર કચેરીમાં અરજી કરી હતી, કલેક્ટરે ૦૭/૧૧/૨૦૨૩ થી ગુજરાત જમીન મહેસુલ ની કલમ ૭૩-એએ ની જાેગવાઈઓ શરતો ને આધીન કશ્વી કો. ઓપરેટીવ હાઉસીંગ સોસાયટી લી. ના મુખ્ય પ્રયોજક એટલે કે જીગ્નેશકુમાર જમનાદાસ ખાંટને વેચાણ કરવા પરવાનગી આપી હતી. ખાંટે માલિકોને ૮,૦૧,૨૮,૦૦૦ રૂપિયા અવેજ ચૂકવી ફેબ્રુઆરી ૨૦૨૪માં જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવી લીધો હતો. ખાંટે જમીન લેવલ કરાવી અને કશ્વી કો-ઓપ હાઉસીંગ સોસાયટી લીમીટેડના નામે મકાનો બનાવવા તૈયારી કરી હતી. જેમાં તેઓ પ્લોટીંગની માપણી માટે ૨૨ ઓગસ્ટે સ્થળ પર ગયા હતાં. એ સમયે તેમને કેટલાક વ્યક્તિઓ જમીન ઉપર કબજાે જમાવી બેઠેલા દેખાયા હતાં. અહીં ગિરેન્દ્ર રમણીકલાલ શાહે ખાંટને જણાવ્યું હતું કે, આ જમીન અમારી માલીકીની છે અને અમોએ ખરીદ કરેલ છે. શાહ અને તેની સાથેના દસેક માણસોએ ખાંટને જમીન માપણી કરવા નહીં દઇ ધાક ધમકી આપી ત્યાંથી હાંકી કાઢ્યા હતા. વેસુ, ટી. ઍમ. પટેલ સ્કૂલ પાસે, રીટ્રીટ હાઈટ્સ ખાતે રહેતા ગિરેન્દ્ર રમણીકલાલ શાહ અને તેનો પુત્ર નિલેશ ગિરેન્દ્ર શાહે આ જમીન ઉપર ગેરકાયદે કબજાે કરવા સાથે તેમની માલિકીનું બોર્ડ પણ લગાવી દીધું હતું. જીગ્નેશ ખાંટે આ મામલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે અરજી કરી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના ગુના બાબતે જિલ્લા કલેકટરના અધ્યક્ષતામાં રચવામાં આવેલ કમિટી દ્વારા આ અરજી અંગે તપાસ કરાયા બાદ શાહ પિતા-પુત્ર સામે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો હતો. કલેક્ટરાયલના હુકમના આધારે ઇન્સપેકટર પી. એન. વાઘેલાએ ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી કરતાં શાહ પિતા પૂત્રની ધરપકડ કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution