ભરૂચ, જંબુસર તાલુકાનાં કહાનવા ગામે જીઈબી અધિકારીના પાપે એ.જી. કનેક્શન એક અઠવાડિયાથી બંધ હોઈ ખેડુતો તથા પશુઓ મુશ્કેલીમાં મૂકાયા છે.જીઈબી દ્વારા એ જી કનેક્શન વહેલી તકે શરૂ કરવામાં આવે નહીં તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારતાં ધરતીપુત્રો જંબુસર તાલુકાનાં કહાનવા ૯૭૦૦ ની વસ્તી ધરાવતું તાલુકામાં મોટું ગામ છે કાહનવા ગામે નવ પરા વિસ્તારમાં સિત્તેર ટકા વસ્તી ખેતરમાં રહે છે. જ્યાં ૯૭૨ હેક્ટર જમીનમાં ધરતીપુત્રો રવી પાક જેવાકે કપાસ, તુવેર, બાજરી, સુંઢીયુ સહિતના પાકો કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. સરકારની યોજના મુજબ ખેતરોમાં એ.જી. કનેકશન આપવામાં આવેલ છે જેના થકી ખેડૂતો સમયસર પાક લઈ શકે તથા પશુધનને પીવાના પાણીની સગવડ મળી રહે તા.૧૫/૫/૨૧ થી આ તમામ વિસ્તારોમાં લાઈટ નથી તથા આ વિસ્તારના પોલ એટલા બધા નમી ગયા છે કે જીઈબીના વીજ વાયરો ખુબ જ નીચે આવી ગયાં છે. જેનાથી અકસ્માતનો ભય ધરતીપુત્રોને સતાવી રહ્યો છે. આ ઉપરાંત ધરમપુર વિસ્તારમાં સિંગલ ફેઝમાં પણ લો વોલ્ટેજ રહે છે. આ તમામ સમસ્યાઓને લઈ જંબુસર જીઇબી કચેરીના અધિકારીઓને અનેક વખત રજુઆતો કરી છે તથા ફરિયાદ નોંધાવી છે. છતાંય આજદિન સુધી જીઈબી દ્વારા લાઈટ, થાંભલા, વાયરો, લો વોલ્ટેજ વિગેરેની સમસ્યા દૂર કરવામાં આવી નથી. જીઈબી અધિકારીઓની બેદરકારી નિષ્ક્રિયતાને લઈ ધરતીપુત્રોને શોષવાનો વારો આવ્યો છે. માનવી તો ઠીક પરંતુ પશુધન પણ પીવાના પાણી માટે મુશ્કેલીમાં મુકાયું છે. કહાનવા ગામે આ સમસ્યાઓનો ઉકેલ આવતો જ નથી તે ખેડૂતો માટે એક મોટો પ્રશ્ન છે. જીઈબી દ્વારા વહેલી તકે ઘરતીપુત્રોનો પ્રશ્ન હલ કરે નહીં તો ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.