કોંગ્રેસના શાસનમાં ખેડૂતો દેવાદાર બન્યાઃ રુપાણીના વિપક્ષ પર પ્રહાર

ભૂજ-

કચ્છમાં કિસાન સન્માન દિવસ નિમિત્તે મુખ્યમંત્રીએ કચ્છી ભાષામાં સંબીધનની શરૂઆત કરી હતી. આ કોઈ ઉજવણી નથી, આ સેવા યજ્ઞ છે. કોંગ્રેસે ખેડૂતોના નામે મગરના આંસુ સર્યા છે અને હજુ સારે છે. કોંગ્રેસના શાસનમાં ખેડૂત દેવાદાર બન્યો. કોંગ્રેસના શાસનમાં ખેડૂતો પાસેથી ૧૮ ટકા વ્યાજ લેવાતું. કોંગ્રેસનો પંચાયતોમાં સફાયો થયો કેમકે તમે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, પાક વિમો માંગવા આવેલા ખેડૂતો ઉપર કોંગ્રેસે ગોળીઓ છોડી હતી. કોંગ્રેસના શાસનમાં ખેડૂત આત્મહત્યા કરતો હતો. કોંગ્રેસે ક્યારેય ટેકાના ભાવથી ખેડૂતોની ઉપજ ખરીદી ન હતી. અમારી સરકારે ૫ વર્ષમાં રૂ. ૧૯ હજાર કરોડ રૂપિયાની ટેકાના ભાવે ખરીદી કરી. છેલ્લા ૨૫ વર્ષમાં અમારી સરકારે ખેતીની વીજળીના ભાવ વધાર્યા નથી. રાત્રે વાળું કરવા લોકો બેસે ત્યારે લાઈટ ન હોય તેવા દિવસો કોંગ્રેસના શાસનમાં હતા. ભાજપ સરકાર આવી ત્યારથી જ્યોતિરગામ યોજના લાગુ કરી. કોંગ્રેસના શાસનમાં સિંચાઇની કોઈ યોજના ન હતી.

તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છમાં દુષ્કાળના દિવસો લોકો ભૂલ્યા નથી. અમે તમામ વિસ્તારમાં સિંચાઈ અને પીવાનું પાણી પહોચાડ્યું. કચ્છ માટે હવે સોનાના દિવસોની શરૂઆત થઈ છે. પાણી વગરનું નહિ હવે પાણીદાર કચ્છ છે. ભૂતકાળમાં પાણીના ટીપાં માટે લોકો મરતા હતા, રમખાણો થતા હતા તે કોંગ્રેસનું શાસન હતું . નવા કૃષિ કાયદાથી કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે. ભૂતકાળમાં એક વાર ખેડૂતોનું દેવું માફ કર્યું હતું, કોનું થયું કોનું નહીં તે ભગવાન જાણે. કચ્છમાં ટુક સમયમાં કૃષિ યુનિવર્સિટી શરૂ થશે. કચ્છમાં વેટરનીટી કોલેજ પણ શરૂ થશે.ગુજરાતમાં આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યની મુખ્યમંત્રી રૂપાણી સરકારના ૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે કિસાન સન્માન દિવસ ઉજવણી કરવામાં આવી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે ભુજથી રાજ્યક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનાનો આજથી પ્રારંભ થશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને હવે દિવસે ૮ કલાક વીજળી અપાશે. ખેડૂતોને સાધન સહાય અને અન્ય ખેડૂત કલ્યાણ યોજનાઓનો લાભ પણ આજથી અપાશે. ભુજની આર ડી વરસાણી હાઈસ્કૂલ ખાતે રાજ્યક્ષાની ઉજવણીનું આયોજન કરાયું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution