દેવગઢ બારિયા : દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના મોઢવા ગામે કપાસ તથા તુવેરના વાવેતરની આડમાં લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલા ખેતરોમાં ધાનપુર પોલીસે એસ.ઓ.જી પોલીસને સાથે રાખી ઓચિંતો છાપો મારી રૂપિયા ૩૪.૧૪ લાખ ઉપરાન્તની કિંમતના ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ વજનના ગાંજાના છોડ નંગ-૧૨૦૯ સાથે ખેતર માલિકની ધરપકડ કર્યાનું જાણવા મળ્યું છે. ધાનપુર પી.એસ.આઇ આર. જી. ચુડાસમાએ પોતાના સ્ટાફના માણસોને સાથે રાખી ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પીએસઆઈઆરજી ચુડાસમાને બાતમી મળી હતી કે, મોઢવા ગામે પટેલ ફળિયામાં રહેતા ચંદ્રસિંહ રામસિંહ બારીયાએ તેની માલિકીના તથા કબજા ભોગવટાના ખેતરોમાં કપાસ તથા તુવેરના વાવેતરની આડમાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે બાતમીના આધારે પી.એસ.આઇ આરજી ચુડાસમાએ પોતાના ઉપરી અધિકારીની સુચના મુજબ ગેઝેટેડ અધિકારી એસ ઓ જી પી આઈ એમએસ ગામેતીને સાથે રાખી પોતાની ટીમને સાથે લઈ મોઢવા ગામે પટેલ ફળિયામાં બાતમીમાં દર્શાવેલ ચંદ્રસિંહ રામસિંહ બારીયાની માલિકીના તથા કબજા ભોગવટાના કપાસ તથા તુવેરના વાવેતરવાળા ખેતરોમાં ઓચિંતો છાપો મારી ખેતરો માંથી રૂપિયા ૩૪,૧૪,૩૦૦/-ની કુલ કિંમતના ૩૪૧.૪૩૦ કિલોગ્રામ કુલ વજનના લીલા ગાંજાના છોડ નંગ-૧૨૦૯ પકડી પાડી એફએસએલ અધિકારીને સ્થળ પર બોલાવી ખેતરમાંથી મળી આવેલ વનસ્પતિજન્ય માદક પદાર્થના છોડનું પરીક્ષણ કરાવતાં તમામ છોડ લીલા ગાંજાના છોડ હોવાનું જણાવતા પોલીસે ૫૫ વર્ષીય ખેતર માલિક ચંદ્રસિંહ રામસિંહ બારીયાની ધરપકડ કરી કચેરીએ લાવી ગાંજાના છોડનું કેટલા સમયથી વાવેતર કરો છો ? તમામ બાબતની સઘન પૂછપરછ હાથ ધરી તેના વિરુદ્ધ ધાનપુર પોલીસે નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યો છે.