વડોદરા : શહેરના વડસર ખાતેની યુનિટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર્દીનું મોત નિપજવા બદલ પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જાે કે દર્દીનું રહસ્યમય મોત નિપજ્યા બદલ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. જ્યારે હોસ્પિટલના સત્તાધીશોએ આ વાતનું ખંડન કર્યું હતું. આ બનાવમાં પોલીસ તપાસ બાદ સાચી વિગતો સપાટી પર આવશે તેવું મનાય છે.
શહેર નજીક વાઘોડિયા ખાતેની ધીરજ હોસ્પિટલે કોઈ અન્ય વ્યક્તિનો મૃતદેહ આપી દીધાના બનાવ બન્યાની તપાસ હજુ ચાલુ છે, તેવામાં વધુ એક હોસ્પિટલ સામે પરિવારજનોએ આક્ષેપ કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરના વડસર ખાતેની યુનિટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ટાફ અને તંત્ર સામે દર્દીના સગાએ લગાવેલા આક્ષેપોમાં દર્દી ધર્મિષ્ઠાબેનની તબિયત ખરાબ જણાતાં યુનિટી હોસ્પિટલમાં સીટીસ્કેન કરવા માટે લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ તે દરમિયાન દર્દી ધર્મિષ્ઠાબેન પટેલની તબિયત બગડતાં તેણીને તે જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં અને તરત જ તેણીને એક ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. જેના પછી ગણતરીની મિનિટોમાં જ તેણીનું મોત નીપજ્યું હતું તેમ જાણકારી આપવામાં આવી હતી. આમ છતાં તેના પછી જ્યારે કાર્ડિયોગ્રામ કાઢ્યો ત્યારે તેમના શ્વાસ ચાલી રહ્યા હતા તેવા દર્દીના સગા તરુણ પટેલેે આક્ષેપ લગાવ્યા ત્યારે ડૉક્ટરોએ વાત ફેરવીને તેણીના છેલ્લા શ્વાસ ચાલી રહ્યા છે તેમ બહાનું કાઢ્યું હતું અને તેના પછીની ૧૦ મિનિટમાં તેણીનો કાર્ડિયોગ્રામ રિપોર્ટ આવતાં તેણીનું મોત નીપજ્યું છે તેમ જાહેર કર્યું હતું. ત્યાર બાદ દર્દીના પરિવારજનોએ મૃત્યુનું સર્ટિફિકેટ માગ્યું ત્યારે દવાખાનાએ ના પાડી દીધી હતી, પરંતુ કાયદાના જાણકાર દર્દીના પરિવારજનોએ જ્યારે પોલીસમાં ફરિયાદ કરી હતી ત્યારે દવાખાના તંત્રે સર્ટિફિકેટ આપવાની હા પાડી પરંતુ પોલીસ જ્યારે તપાસ કરવા આવી ત્યારે કોઇપણ મૃત્યુનું સાચું કારણ પોલીસ સામે કહેવા તૈયાર નહોતું. દર્દીના પરિવારજનોના આક્ષેપ છે કે યુનિટી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ સ્ટાફ અને તંત્ર ખૂબ જ બેદરકાર છે અને દર્દી પ્રત્યે બિલકુલ પણ ધ્યાન આપતા નથી, સાથે જ તેઓ ખૂબ જ તોછડાઇભર્યુ વર્તન કરે છે.