“મારે ક્યાંય નંઈ જવું, ભલે ગમે ઈવું વાવાઝોડું આવે; મારી હિકોતર મા કાંય નંઈ થવા દી. ઈ ગમે ત્યાંથી આવશે બચાવા”
“ માજી, તમે કેમ સમજતા નથી? આ પવન એકવાર શરૂ પશે પછી તમે ક્યાંય નય જઈ શકો. એવો પવન આવવાનો છે કે, મકાનના એકેય નળિયા રે’વાના નથી. ઘરમાંથી કિંમતી વસ્તુ હોય એ લઈ લ્યો ને ઝટ ટ્રેકટરમાં ચડી જાવ.” મેં અને મારી સાથે આવેલ ટી.ડી.ઓ.સાહેબ અને પોલીસ ટીમે એ માજીને બોવ સમજાવ્યાં પણ માજી તો એકના બે થયા જ નહીં. એક જ વાત કે’તા રહ્યાં, “મારી હિકોતરમા કાંય નંઈ થવા દી. ઈ બચાવશે અમને.”
આ સાંભળી અમારી સાથે આવેલ ગામના આગેવાન ભાઈ ખુલાસો કરતા બોલ્યાં, “તલાટી સા’બ, અહીં બધા આમ જ કેહે, એકેય નંઈ હમજે.”
એની વાત સાંભળીને અમે બધા એકબીજા સામે પ્રશ્નાર્થ નજરે જાેવા લાગ્યાં. હવે શું કરવું?
બસ, પછી તો નાછૂટકે પોલીસનો દંડો દેખાડ્યો અને એક પછી એક બધાને ટ્રેકટરમાં ચડાવ્યાં ને લઈ આવ્યા આશ્રયસ્થાનમાં. એ પછી ધીમે ધીમે વાવાઝોડાએ ગતિ પકડી અને બધું ખેદાનમેદાન થવા માંડ્યું. જે ઘર મૂકીને નિશાળમાં આવવા નો’તા માંગતા એ બધાય અંદરોઅંદર વાતો કરવા મંડ્યા “હારું થયું આઇ આવી ગ્યા નીકર તો જીવતાય ન રેત.”
પૂરા સત્તર અઢાર કલાક પછી વાવાઝોડું આખા વિસ્તારને ઘમરોળીને શાંત પડ્યું. જે માજી અહીં આવવા તૈયાર નહોતાં થતાં એ માજી અમે બધા જ્યાં ઊભા હતા ત્યાં આવ્યા ને બે હાથ જાેડીને ગળગળા અવાજે બોલ્યાં,’’સા’બ, મારી હિકોતરે જ તમને હંધાયને મોકલ્યા હતા પણ અમી જ ઓળખી હક્યા નઈ.” મેં એ માજી તરફ જાેયું તો એની આંખોમાં ઈશ્વર પરની શ્રદ્ધાના અમાપ મોજા ઉછળતા હતાં. એ મોજામાં હું એવો ખોવાઈ ગયો કે, મારાથી કશું બોલાયું નહીં.