લેખક : ખ્યાતિ શાહ |
પ્રહલાદ ચા.... આજકાલ આ નામ ઘણું ચર્ચામાં છે. ઓટીટી પ્લેટફોર્મ પર આ નામ ઘણું પ્રખ્યાત થયું છે. પ્રહલાદ ચા કોણ? બીજું કોઈ નહીં, પણ પંચાયત સિરીઝનો એક્ટર ફૈસલ મલિક. પ્રહલાદ ચાએ પંચાયતની ત્રીજી સિઝનમાં પોતાની અદાકારીથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે. બોલીવુડની ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’માં એક નાનકડી ભૂમિકા ભજવનાર ફૈસલ મલિકને આજે કોઈ ખાસ ઓળખાણની જરૂર નથી. પણ કહેવાય છે ને કે, સફળતા એટલી સહેલાઈથી કોઈને પ્રાપ્ત થતી નથી. ફૈસલ મલિકના જીવનની સફળતાની કહાની પણ કંઈક આવી જ છે.
ફૈસલ મલિકનો જન્મ ૧૯૮૦માં અલ્હાબાદમાં થયો હતો. બોલિવુડમાં અભિનેતા બનવા માટે પોતાનું શહેર છોડી મુંબઈ આવી કામ શરૂ કર્યું. તેણે આસિસ્ટન્ટ ડિરેક્ટર, પ્રોમો પ્રોડ્યુસર, શો પ્રોડ્યુસર અને લાઇન પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. ફૈસલના બાળપણ પર નજર કરીએ તો અન્ય બાળકોની જેમ તેનું બાળપણ પણ સામાન્ય જ હતું. ફૈસલને ફિલ્મો જાેવાનો ઘણો શોખ હતો. પરંતુ પરિવારને તેનો આ શોખ ગમતો નહીં હોવાથી તે છુપાઈને ફિલ્મો જાેતો. ક્યારેક પકડાઈ જાય તો માર પણ ખાતો. પકડાઈ જવાની હોય કે મારની બીક પણ ફૈસલે ફિલ્મો જાેવાનું છોડ્યું નહીં.
ફૈસલને ગ્રેજ્યુએશન કરવા કરતાં ફિલ્મ એક્ટર બનવામાં વધારે રસ હતો. પરંતુ પરિવાર તેના એક્ટર બનવાના ર્નિણયથી સહમત હતો નહીં. ઘણી ચર્ચા પછી મોટાભાઈની મદદથી ફૈસલને મુંબઈ જવાની મંજૂરી મળી. જાેકે, તે બાદ ફૈસલને માતાપિતાએ પણ સંમતિ આપી દીધી અને તે પહોંચ્યો મુંબઈ.
૨૨ વર્ષની ઉંમરે ફૈસલ મુંબઈ તો આવી ગયો પરંતુ સંઘર્ષ તો ઘણો જ હતો. સ્વપ્ન નગરી મુંબઈમાં આવતાની સાથે જ કંઈ અમિતાભ બચ્ચન થોડું થઈ જવાય છે? એ તો મુંબઈ જાવ તો જ ખબર પડે...
મુંબઈમાં તેણે કિશોર નમિત કપૂર એક્ટિંગ ઇન્સ્ટિટયૂટમાં એક્ટિંગ કોર્સ ચાલુ કર્યો. માત્ર ત્રણ જ મહિનામાં ખબર પડી ગઈ કે એક્ટર બનવું કેટલું અઘરું છે. ઘરેથી ઘરખર્ચ મંગાવવો નહોતો એટલે તેણે કામ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ તેણે સહારા ઇન્ડિયામાં સૌથી નીચા સ્તરનું કામ ટેપ લોગીનથી શરૂઆત કરી. બે ત્રણ મહિનામાં મિત્ર પાસેથી એડિટિંગનું કામ શીખી લીધું અને પછી તેને પ્રોમો કટ કરવાનું કામ મળ્યું.
શરૂઆતમાં મહિનાના રૂ. ૭૦૦ થી શરૂ થયેલો પગાર ધીરે ધીરે રૂ. ૩૨૦૦ સુધી પહોંચ્યો. આમ તેણે સહારા ઇન્ડિયાથી કામ શરૂ કરી ઝી સિનેમા અને સ્ટાર વનમાં પણ કામ કર્યું હતું.
ફૈસલ હંમેશા કામ કરવા તત્પર રહેતો હતો અને આજે પણ છે. પાંચ છ દિવસ સળંગ કામ કરી શકે તેવું ઝનુન તેનામાં છે. ક્યારેક તો એસોસીએટ પ્રોડ્યુસર તરીકે ૨૦-૨૦ કલાક પણ કામ કરતા થાકતો નહોતો. એક દિવસ કામ કરતા કરતા ૨૦ ફૂટની ઊંચાઈએ એક સીન જાેવા જતાં અચાનક નીચે પડી ગયો, પગમાં પ્લાસ્ટર હતું તોય પોતાનું કામ બંધ કર્યું નહીં.
સંઘર્ષની વાત કરીએ તો, ફૈસલને પણ ઘણી તકલીફો વેઠવી પડી હતી. ક્યારેક ખાધા પીધા વગર જ દિવસો કાઢવા પડતાં.ઘણી વખત રસ્તા પર કે સ્ટેશન પર સૂઈ દિવસો કાઢ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે, એક દસકો ખરાબ આવે તો પછીનો દસકો સારો આવે જ છે. તેમ ફૈસલનો આ સંઘર્ષ સારા દિવસોની નિશાની હતી.
ફૈસલની પ્રથમ ફિલ્મ ‘ગેંગ ઓફ વાસેપુર’ પછી તેને માત્ર પોલિસ ઓફિસરના જ રોલ મળવાં લાગ્યાં હતા. તેણે ‘સ્મોક, ‘રિવોલ્વર રાની’ અને ‘મેં ઔર ચાર્લ્સ’ જેવી વેબ-સિરીઝનું સહ-નિર્માણ પણ કર્યું છે.
ફૈસલે અમિતાભ બચ્ચન સાથેનો પોતાના અનુભવ વિશે કહ્યું છે કે, એકવાર હું અનુરાગ કશ્યપ સાથેના એક શોના સંબંધમાં અમિતાભ બચ્ચનને તેમના ઘરે મળવા ગયો હતો. ત્યારે મેં તેમને ૧૨૦ પાનાની સ્ક્રિપ્ટ આપી જે તેમને યાદ હતી. તેમણે મને પૂછ્યું, આપણે તેને ક્યારે શૂટ કરી શકીએ? મેં ઈમાનદારીથી જવાબ આપ્યો, સર, આપણે હમણાં નહીં પણ છ મહિના પછી શૂટ કરીશું. આ પછી જ્યારે અમારી મીટિંગ પૂરી થઈ અને અમે તેમના ઘરના પહેલા માળેથી નીચે ઉતરી રહ્યાં હતાં ત્યારે મને કહેવામાં આવ્યું કે, તમે આ પ્રોજેક્ટ પર કામ કરશો નહીં, તમે તેને છોડી દો. આ રીતે સત્ય બોલવા માટે મારે આ કિંમત ચૂકવવી પડી.
‘પંચાયત’ સીરીઝમાં પ્રહલાદ ચાના નામથી પ્રખ્યાત ફૈસલના ત્રીજી સિઝનના અભિનયે કંઈક અલગ જ છાપ છોડી છે. પહેલી બે સીઝનમાં મસ્તીમજાકનો અભિનય કરતા પ્રહલાદ ચાનો અભિનય આ સિઝનમાં લોકોની આંખમાં આંસુ લાવી દે તેવો છે. ફૈસલના ઘણા સંઘર્ષ પછી અને ‘પંચાયત’ની સફળતા બાદ બે-ત્રણ નવી ફિલ્મ અને ચાર-પાંચ વેબ સિરીઝમાં અભિનય કરતા જાેવા મળશે.