વડોદરા,તા.૧૦
વડોદરા મહાનગર પાલિકાની મળેલી વર્ચ્યુઅલ સામાન્ય સભામાં આગલા દિવસની ભૂલને થોડા ઘણા અંશે સુધારી લેવામાં આવી હતી.પરંતુ તેમ છતાં એમાં અનેક ખામીઓ હોવાના આક્ષેપો સતત બીજા દિવસે પણ થયા હતા.આ ઓનલાઇન સભામાં વિપક્ષ દ્વારા શાસક પક્ષને આડે હાથે લેવામાં આવ્યો હતો.જેમાં સ્માર્ટ સિટીના નામે શહેરનો વિકાસ કરવાને માટે ટેક્નોક્રેટો દ્વારા આચરવામાં આવેલા કૌભાંડનો પર્દાફાશ કરાયો હતો.
વિપક્ષી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સરકારની કોઈ જોગવાઈ ન હોવા છતાં એફએસઆઈની લ્હાણી કરીને રસ્તાઓ પહોળા કરવામાં આવ્યા હતા.એ બાબતમાં જેઓની જગ્યાઓની કપટ કરવામાં આવી છે.તેઓને એફએસઆઈની બાબતમાં મૂર્ખ બનાવવામાં આવ્યાનો સનસનીખેજ આક્ષેપ કર્યો છે. આ માર્ગો પહોળા કરવાના કામમાં કાયદાકીય લડતમાં હાર થતા પાલિકાને માથે અંદાજે બસો કરોડનું આર્થિક ભારણ આવ્યાનું પણ તેઓએ જણાવ્યું છે.આ ઉપરાંત જેઓ કોર્ટમાં નથી ગયા પરંતુ તેઓની જગ્યા કપટ કરવામાં આવી છે એ તમામને વળતર આપવામાં આવે એવી માગ કરી છે.
સ્માર્ટ સિટીના માટે કરાયેલ તોડફોડનું વળતર ગુજરાત સરકાર કે સ્માર્ટ સિટીના બજેટમાંથી ચુકવવામાં આવે એવી માગ કરી છે. આ ઉપરમન્ત તેઓએ પાલિકાની આવક વધે એ બાબતના સૂચનો કર્યા હતા.
જયારે વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ -ભથ્થુએ શહેરના ડ્રેનેજ અને પાણીના પંપો, એસટીપીની કામગીરી બાબતે પ્રશ્નો ઉઠાવી એમાં વ્યાપક ભ્રષ્ટાચારની સાથોસાથ દીર્ઘદ્રષ્ટિનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓએ શહેરીજનોને મોટા મોટા પ્રોજેક્ટોના દીવા સ્વપ્ન બતાવીને હથેળીમાં ચાંદ બતાવ્યા પછીથી આ પ્રોજેક્ટો શરુ થયા જ નથી તેમજ પડતા મૂકી દેવામાં આવ્યા છે એની સામે શંકા સેવી હતી. અર્બન હેલ્થ સેન્ટરોના રીનોવેશન પાછળ કરોડોના કામો કોઈપણ પ્રકારની ટેન્ડર પ્રક્રિયા વિના કરાતા એની સામે સવાલ ઉઠાવ્યા હતા.આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટેન્ડર પ્રક્રિયા વિના થયેલ કરોડોની ખરીદીની વિજિલન્સ તપાસની માગ કરી હતી.આ ઉપરાંત એના હિસાબો અને ઓડિટ તથા ૬૭(૩સી) હેઠળના કામોની વિગત સભામાં આપવાની માગ કરી હતી.