અમેરિકા
અમેરિકાના ન્યુ યોર્ક સિટીમાં ઘોર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. ટાઇમ્સ સ્ક્વેરમાં એક રસી કેન્દ્રમાં 900 જેટલા લોકોને એક્સપાયર થયેલી રસી આપવામાં આવી છે. આ રસીની ઉપયોગ તારીખ સમાપ્ત થઈ ગઈ હતી. આરોગ્ય અધિકારીઓએ આ માહિતી આપી હતી. ન્યુ યોર્ક સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, 5 થી 10 જૂન વચ્ચે આ ગડબડ થઈ હોવાની વાત કબૂલી છે.
ટાઇમ્સ સ્ક્વેરની એનએફએલ એક્સપિરિયન્સ બિલ્ડિંગમાં ફાઇઝરની રસીનો ડોઝ મેળવનારા આ 899 લોકોને જલદીથી ફાઇઝરની બીજી રસી પ્રાપ્ત થવી જોઈએ. આ સમાચાર બાદ લોકોમાં ભયનો માહોલ છે. ન્યુ યોર્કમાં કરાર હેઠળની વેક્સીનેશન કંપની એટીસી વેક્સીનેશન સર્વિસિઝે આ અંગે દુ: ખ વ્યક્ત કર્યું છે. એટીસી વેક્સીનેશન સર્વિસિઝે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અમે સમયસીમા સમાપ્ત થઈ ગયેલી રસી લેતા લોકોને થતી અસુવિધા બદલ માફી માંગીએ છીએ.
લોકોના જીવનને જોખમ નથી
એટીસી રસીકરણ સેવાઓએ એક નિવેદનમાં કહ્યું છે કે, 'લોકોને એક્સપાયર થયેલી રસીઓ પ્રાપ્ત થઈ હોવાના કારણે જે અસુવિધા થઈ એ બદલ અમે દિલગીર છીએ. અમે લોકોને કહેવા માગીએ છીએ કે તેઓને જે રસી અપાઈ છે તેનાથી તેમને કોઈ જોખમ નથી.' આરોગ્ય વિભાગના પ્રવક્તા પૈટ્રિક ગાલાહુએ કહ્યું છે કે, જે લોકોને એક્સપાયર રસીનો ડોઝ આપવામાં આવ્યો છે, તેઓને ઈ-મેલ મોકલાયો છે. ઉપરાંત ફોન કોલ્સ અને પત્રો દ્વારા પણ જાણ કરવામાં આવી છે. જેથી તેઓ સજાગ રહે. આ બેદરકારી બાદ મેયર કચેરીએ એટીસી વેક્સીનેશન સર્વિસિઝની સેવા સ્થગિત કરી દીધી છે.