વડોદરા : શહેરના શેરીમાર્ગો પર હજારો કુતરાઓ રાહદારીઓ અને વાહનચાલકોની પાછળ દોડી તેમજ તેઓને કરડીને હેરાનગતિ કરતા હોવાના કિસ્સા વારંવાર બને છે પરંતું શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા શક્તિ એપાર્ટમેન્ટ પાસે રહેતા એક રહીશે તેનો પાલતુ કુતરો તેના ઘર પાસે રમતા બાળકોની પાછળ દોડાવીને હેરાનગતિ કરતા આ મુદ્દે સ્થાનિક રહીશો અને કુતરામાલિક વચ્ચે ઉગ્ર તકરાર થઈ હતી જે મામલો આખરે નવાપુરા પોલીસ મથકમાં પહોંચ્યા બાદ બંને પક્ષે સમાધાન થતાં મામલો થાળે પડ્યો હતો.
નવાપુરા વિસ્તારમાં આવેલા શક્તિ એપાર્ટમેન્ટ પાસે રહેતા કેદાર ઓટિયા નામના રહીશ તેમના ઘરે વિદેશી બ્રીડનો કુતરો પાળે છે. કેદારના ઘર પાસે તેના વિસ્તારના બાળકો રમીને ઘોંઘાટ કરતા હોઈ કેદાર તેઓને વારંવાર લાકડી લઈને બહાર આવીને ઘર પાસેથી ભગાડતો હતો. જાેકે તેમ છતાં બાળકો ફરી શેરીમાં રમવા માટે આવી જતા કેદારે બાળકોને પોતાના ઘર પાસે આવે નહી તે માટે પોતાનો પાલતુ કુતરો જાણી જાેઈને રોડ પર છોડી દેવાની શરૂઆત કરી હતી.
દરમિયાન વિદેશી બ્રિડનો પાલતુ કુતરો જાેરજાેરથી ભસતો ઘરની બહાર રમતા બાળકોની પાછળ દોડતા જ બાળકો ભયના માર્યા બચાવ માટે ચિચિયારીઓ પાડીને આસપાસના ઘરોમાં અને કમ્પાઉન્ડમાં દોડી ગયા હતા. કેદારનો પાલતુ કુતરો પાછળ દોડતા જ તેના ભયથી ભાગી રહેલા બાળકોનો દ્રશ્યો તાજેતરમાં આ વિસ્તારમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ વિડીઓ ફુટેજ સોશ્યલ મિડિયામાં પણ ભારે વાયરલ થતાં આ વિસ્તારના રહીશોમાં કેદારની આવી રંજાડપ્રવૃત્તી સામે ઉશ્કેરાટ ફેલાયો હતો. કેદાર અને સ્થાનિક રહીશો વચ્ચે ે ઉગ્ર બોલાચાલી થતા આ મામલો નવાપુરા પોલીસ મથકમાં પહોંચ્યો હતો અને બંને પક્ષે સામસામે અરજીઓ પણ કરી હતી. આ અંગે નવાપુરા પોલીસ મથકના પીઆઈ એમ વી ભગોરાએ જણાવ્યું હતું કે અમે બંને પક્ષોની અરજીના આધારે તપાસ શરૂ કરી હતી અને આરોપીને પણ પોલીસ મથકમાં લાવ્યા હતા પરંતું ત્યારબાદ અરજદારોએ સામાવાળા તેઓના પાડોશી છે અને એક જ વિસ્તારમાં રહે છે માટે ફરિયાદ કરવાનો ઈન્કાર કરતા બંને પક્ષે સમાધાન કરી અરજીનો નિકાલ થયો હતો. જયારે કેદાર જણાવ્યું હતું કે તેણે જાણીજાેઈને પોતાના પાલતુ કુરતો બાળકો પાછળ દોડાવ્યો નહોંતો, ઘરનો દરવાજાે ખુલ્લો રહેતા તેનો પાલતુ કુતરો રોડ પર બાળકો પાછળ દોડ્યો હતો.