મહાવીર સ્વામીની કુંડળીમાં ઉત્કૃષ્ઠ મહાપુરુષયોગ

દરવા સુદી પડવો! જૈનોના પર્યુષણ પર્વનો પાંચમો દિવસ! આજે જૈનાચાર્ય ઉપાશ્રયમાં ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીનું જન્મવાંચન કરે! જૈન શ્રાવકો આજે પ્રભુનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવે! આપણે આ પર્વને મહાવીર પ્રભુની કુંડળીના અભ્યાસ દ્વારા ઉજવીએ!

જૈન આગમો મુજબ ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામીના જન્મની તિથિ હતી ચૈત્ર સુદ તેરસ અને નક્ષત્ર હતું ઉત્તરા ફાલ્ગુની. એક સંશોધન મુજબ તે સમયે ઈસ્વી સન પૂર્વે પાંચસો નવ્વાણુંની અઠ્‌યાવીસમી માર્ચ હતી અને મંગળવાર હતો. જાે કે આ તારીખ સાચી જ હોવાનું નક્કી નથી થઈ શક્યું.

આપણે શ્રી મહાવીર સ્વામીની જન્મકુંડળીનો અભ્યાસ કરીએ. કુંડળી મકર લગ્નની છે. લગ્ન સ્થાનમાં ઉચ્ચનો મંગળ, ચોથા સ્થાનમાં ઉચ્ચનો સૂર્ય, સાતમા સ્થાનમાં ઉચ્ચનો ગુરુ અને દસમા સ્થાનમાં ઉચ્ચનો શનિ છે. આમ કેન્દ્રનાં ચારેય સ્થાનોમાં ઉચ્ચના ગ્રહો છે. પાંચમા ત્રિકોણ સ્થાનમાં

સ્વગૃહી શુક્ર છે અને નવમા ત્રિકોણ સ્થાનમાં કન્યા રાશિનો ચંદ્ર છે. કુંડળીના બધા જ ગ્રહો કેન્દ્રસ્થાનો અને ત્રિકોણસ્થાનોમાં જ છે! એક પણ ગ્રહ આ સ્થાનોની બહાર નથી. કુંડળીમાં છઠ્ઠું, આઠમું અને બારમું સ્થાન અશુભ કહેવાય છે. આ અશુભ સ્થાનોમાં કોઈ પણ કોઈ ગ્રહ નથી.

આવું તીર્થંકરની કુંડળીમાં જ બનતું હોય છે! અથવા તો અતિ ઉચ્ચ અવતારી પુરુષની કુંડળીમાં જ બનતું હોય છે!

જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંતોની વાત કરીએ તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ પાંચમાંથી કોઈ પણ એક ગ્રહ જાે કેન્દ્રમાં ઉચ્ચનો હોય તો તેનાથી મહાપુરુષ યોગ બને છે. મહાવીર સ્વામીની કુંડળીમાં મંગળ, ગુરુ અને શનિ ઉચ્ચના છે. આ ત્રણ ગ્રહોથી ત્રણ મહાપુરુષ યોગ બને છે. ચોથા કેન્દ્રસ્થાનમાં રહેલો બુધ પોતે ઉચ્ચનો નથી પરંતુ તે ઉચ્ચના સૂર્યની સાથે બેઠો છે! અને બુધની વિશેષતા એ છે કે તે જે ગ્રહની સાથે બેઠો હોય છે તેના જેવો બને છે. આમ ઉચ્ચના સૂર્યની સાથે રહીને બુધ પણ ઉચ્ચનો બને છે. આ રીતે કેન્દ્રમાં ચાર ગ્રહો ઉચ્ચના બનીને ચતુઃસાર યોગ કરે છે. તેનાથી ચોથો મહાપુરુષ યોગ બને છે. આ ચારેય યોગ ભેગા મળીને ઉત્કૃષ્ટ મહાપુરુષ યોગનું નિર્માણ કરે છે.જાે મહાવીર સ્વામીની સૂર્યકુંડળી મૂકવામાં આવે તો તેમાં પણ કેન્દ્રમાં ઉચ્ચના ચાર ગ્રહો જળવાઈ રહે છે. એમાંય સૂર્યકુંડળીનો મુખ્ય ગ્રહ સૂર્ય પોતે તો ઉચ્ચનો છે જ! આ રીતે જન્મકુંડળી અને સૂર્યકુંડળી, એ બંનેમાં જાે કેન્દ્રસ્થાનોમાં ઉચ્ચના ગ્રહો હોય તો તે પોતે એક મહાપુરુષ યોગ સર્જે છે.

આમ જન્મકુંડળીના ચાર મહાપુરુષ યોગોમાં સૂર્યકુંડળીનો પાંચમો મહાપુરુષ યોગ ઉમેરાય છે. સમગ્ર રીતે કુંડળીમાં પાંચ પાંચ મહાપુરુષ યોગો બને છે! અને આવો યોગ માત્ર તીર્થંકરની કુંડળીમાં જ જાેવા મળે છે! આ રીતે જ્યારે કોઈ એક જ કુંડળીમાં પાંચ પાંચ મહાપુરુષ યોગો બનતા હોય છે ત્યારે આ યોગો કરી રહેલા ગ્રહો સિવાયના અન્ય ગ્રહો પણ આપોઆપ ઉચ્ચનું ફળ આપતા થઈ જાય છે! અહીં શુક્ર અને ચંદ્ર જ બાકી રહી ગયા છે. તેમાંથી શુક્ર પાંચમા સ્થાને સ્વગૃહી છે. ચંદ્ર ભાગ્ય સ્થાનમાં બુધની રાશિમાં બિરાજે છે અને બુધ ઉચ્ચના સૂર્યની સાથે બિરાજીને ઉચ્ચનો બનેલો છે.આમ આ કુંડળીમાં સાતે સાત મુખ્ય ગ્રહો ઉચ્ચનું ફળ આપી રહ્યા છે! (રાહુ અને કેતુ વાસ્તવિક ગ્રહો નથી પરંતુ છાયા ગ્રહો છે. તીર્થંકરની કુંડળીમાં વાસ્તવિક સાત ગ્રહો જ ઉચ્ચના હોવા જરુરી હોય છે.)

હવે શ્રી મહાવીર સ્વામી વિષે વાત કરીએ. તે રાજકુળમાં જન્મીને પણ વિરાગી રહ્યા.ત્રીસ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી.તેમણે જૈન ધર્મની સ્થાપના કરી. આ ધર્મ દ્વારા તેમણે જગતને અહિંસાનો સંદેશ આપ્યો. સર્વ વાચક મિત્રોને અમારા મિચ્છામી દુક્કડમ!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution