ચૂંટણી મતદાન દરમિયાન ઈવીએમ ખોટકાયાં, આ નેતાઓએ મતદાન કર્યું

અમદાવાદ-

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના આખરી તબક્કામાં આજે સવારે સાત વાગ્યાથી મતદારોએ પોતાના બૂથ પર જઈને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કેટલાંક નેતાઓએ પણ વહેલી સવારે મતકેન્દ્રો પર જઈને પોતાના મતદારોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ધોળકા ખાતે મતદાન કર્યું હતું જ્યારે દિલીપ સંઘાણીએ અમરેલી જિલ્લા પંચાયતમાં મતદાન કર્યું હતું. ઉપરાંત કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા જામકંડોરણા તાલુકા શાળા ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા, ઉપરાંત  મહીસાગર પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે લુણાવાડાના લકડી પોઇડા ગામમાં મતદાન કર્યું હતું.

મતદાન દરમિયાન અનેક ઠેકાણે ઈવીએમ મશીન ન ચાલવાની સમસ્યાઓ જણાતાં તંત્ર દ્વારા તત્કાળ કામગીરી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનરના લીંબડીમાં વોર્ડ ન. 4 ના મૂળજી પંજીની વાડીના બૂથ ખાતે ઇવીએમ ખોટકાયું હતું. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ તાજાવાલા સ્કૂલ ખાતે મતદાન કર્યું હતું. જ્યારે કેબિનેટ મંત્રી ઈશ્વર પરમારે બાબેન પંચાયત ભવન ખાતે મતદાન કર્યું

સુરતના માંડવીમાં બુથ નંબર 9માં  અને મહીસાગરની કારંટા બુથ ખાતે ઈવી એમ મશીન ખોટકાતા તંત્ર દોડતું થયું હતું. માંડવીમાં 33 મતદારોએ મત આપ્યા બાદ ઈવીએમ મશીન બગડ્યું હતું. ગોધરા નગરપાલિકા માટેના મતદાન દરમિયાન વોર્ડ નંબર બેમાં ઇવીએમ ખોટકાયું હતું. 

મંત્રી બચુભાઈ ખાબડે દાહોદની પીપેરો મતદાન મથકે મતદાન કર્યું હતું જ્યારે રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરએ વલસાડ જિલ્લા ના ઉમરગામ તાલુકાના ધોડીપાડા માં મતદાન કર્યું હતું. અમરેલીમાં મંત્રી પરષોત્તમ રૂપાલા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા, અમરેલીની ઇશ્વરીય શાળામાં મતદાન કર્યું હતું,  જયારે મંત્રી કુંવરજી બાવળીયાએ વિછીયા કન્યા પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું. 

રાજ્યમાં 6 મહાનગર પાલિકાની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ ગયા બાદ રવિવારે સવારે રાજ્યની નગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યે મતદાન શરુ થઈ ગયું હતું. સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી એટલે કે 11 કલાક મતદાન પ્રક્રિયા ચાલશે. રાજ્યની 8200થી વધુ બેઠકો પર 22200 કરતાં વધુ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ કેદ થશે.

31 જિલ્લા પંચાયતની ચૂંટણી હેઠળની 980 બેઠકો પૈકી 25 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 955 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 954 ઉમેદવારો, કોંગ્રેસના 937 ઉમેદવારો, બીએસપીના 88 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 304 ઉમેદવારો અન્ય પક્ષના 163 ઉમેદવારો તથા 209 અપક્ષ ઉમેદવારો મેદાનમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે.

જ્યારે તાલુકા પંચાયતની વાત કરીએ તો, 231 તાલુકા પંચાયતની ચૂંટણી હેઠળના 4774 બેઠકો પૈકી 117 બેઠકો બિનહરીફ થયેલ છે. જ્યારે. 4655 બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. જે પૈકી ભારતીય જનતા પાર્ટીના 4652 ઉમેદવારો, કોંગ્રેસના 4594, બીએસપીના 255 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવે છે. 81 નગરપાલિકાની કુલ 2720 બેઠકો છે. જે પૈકી 95 બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે 2625 બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં ભાજપના 2555 ઉમેદવારો, કોંગ્રેસના 2247 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 719 ઉમેદવારો, બીએસપીના 109 ઉમેદવારો અન્ય પક્ષના 432 ઉમેદવારો તથા 1184 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે.

આ ચૂંટણીનું પરિણામ આગામી માસની  બીજી તારીખે જાહેર કરાશે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution